નવસારી: નવસારી જીલ્લામાં ગત રોજ પૂર્ણા નદી અને અંબિકા નદી ભયજનક સપાટી વટાવી જતા ફરી પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે નદી પાસેના વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં પુરના પાણી ઘુસી ગયા હતા. ત્યારે નવસારી શહેરમાં પુરના પાણી ઘુસી જતા જીલ્લા તંત્રએ 1280 લોકોનું સ્થળાંતર કર્યું હતું. એક સિઝનમાં નવસારી જીલ્લામાં ચોથી વખત પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. જયારે નવસારીના શહેરીજનોએ એક સિઝનમાં ત્રીજી વખત પૂરનો સામનો કરવો પડયો હતો.
ગત 24મી જુલાઈએ નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જે આ વર્ષે સીઝનનું જિલ્લામાં પહેલું પૂર આવ્યું હતું. ત્યારબાદ ગત 5મી ઓગષ્ટના રોજ નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદી ભયજનક સપાટી વટાવી જતા ગણદેવી તાલુકામાં, બીલીમોરા શહેરમાં અને ચીખલી તાલુકામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જે સીઝનમાં બીજી વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ ગત 25મી ઓગષ્ટે નવસારી જીલ્લાની અંબિકા નદી, પૂર્ણા નદી અને કાવેરી નદી એમ ત્રણેય નદીઓએ ભયજનક સપાટી વટાવી જતા સમગ્ર નવસારી જીલ્લામાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જે સીઝનમાં ત્રીજી વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ગત રોજ નવસારી જિલ્લાની અંબિકા નદી અને પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા બન્ને નદીઓએ ભયજનક સપાટી વટાવી ગયું હતું. પૂર્ણા નદીના કારણે નવસારી શહેર સહીત આજુબાજુના વિસ્તારોમાં પુરના પાણી ઘુસ્યા હતા. તેમજ અંબિકા નદીને કારણે નદી કિનારે પાસેના તેમજ ચીખલી તાલુકામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.
નવસારી શહેરમાં ગત 24 જુલાઈ, 25મી ઓગષ્ટ અને 2જી સપ્ટેમ્બરે પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા નવસારીના શહેરીજનોએ એક સીઝનમાં ત્રણ વખત પુરનો સામનો કરવો પડયો હતો. ગત રોજ પૂર્ણા નદી અને અંબિકા નદીના જળસ્તરમાં અચાનક ધરખમ વધારો થતા પૂર્ણા નદી 2 કલાકમાં 13 ફૂટ તેમજ અંબિકા નદી 4 કલાકમાં 22 ફૂટ વધી હતી. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર દોડતું થયું હતું.
નવસારી શહેરના કાલિયાવાડી પુલ પાસે, દશેરા ટેકરી રેલરાહત કોલોનીમાં, બાલાપીર દરગાહ પાસે, ભેંસતખાડા-માછીવાડ, ગધેવાન મહોલ્લો, કમેલા દરવાજા, ઝવેરી સડક, રંગુનનગર, નવીન નગર, વિરાવળ, કાશીવાડી, તરોટા બજાર, શાંતાદેવી રોડ, રુસ્તમવાડી, ઠક્કરબાપાવાસ, બંદર રોડ, રાયચંદ રોડ, તાશકંદ નગર, જલાલપોર વિસ્તાર, ચોવીસી ગામ અને કબીલપોર ગામ સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ઘુસી ગયા હતા. જેથી નવસારી જિલ્લા તંત્રએ આ તમામ વિસ્તારના 1280 લોકોને સ્થળાંતર કર્યા હતા. જેમાં કબીલપોર-ચોવીસી ગામના 250 લોકો, ભેંસતખાડા-માછીવાડ વિસ્તારના 200 લોકો, રુસ્તમવાડી વિસ્તારના 120 લોકો, ઠક્કરબાપાવાસના 80 લોકો, કાલિયાવાડી પુલ પાસેના વિસ્તારના 80 લોકો, ગધેવાન મહોલ્લાના અને ઝવેરી સડકના 75 લોકો, કમેલા રોડ-રંગુન નગર-નવીન નગરના 75 લોકો, કાશીવાડી તરોટા બજાર 1 અને 2 ના 150 લોકો, શાંતાદેવી રોડ પરના 70 લોકો, બાલાપીર દરગાહ પાસેના 60 લોકો, રેલ રાહત કોલોનીના 35 લોકો, વિરાવળ નવી મચ્છી માર્કેટ-ગધેવાન મહોલ્લાના 30 લોકો, બંદર રોડ વિસ્તારના 35 લોકો, રાયચંદ રોડ સહિતના આજુબાજુના વિસ્તારોના 10 લોકો તેમજ જલાલપોર નીચાણવાળા વિસ્તારના 10 લોકોના સ્થળાંતર કરાયા હતા. જોકે આજે સવારે 8 વાગ્યે બાદ અંબિકા નદીના જળસ્તરમાં ઘટાડો થતા પુરના પાણી ઓસરી ગયા હતા. તેમજ સવારે 10 વાગ્યા બાદ પૂર્ણા નદીના જળસ્તરમાં ઘટાડો થતા નવસારી શહેરમાંથી પુરના પાણી ઓસરી ગયા હતા.
રુસ્તમવાડી ગૌશાળામાં ફસાયેલા 7 લોકોને રેસ્ક્યુ કરાયા
નવસારી : ગત રોજ નવસારી જિલ્લામાં અંબિકા નદી અને પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. નવસારીમાં પૂર્ણા નદીને કારણે નવસારી શહેરમાં પુરના પાણી ઘુસી ગયા હતા. જેથી નવસારીના રુસ્તમવાડી વિસ્તારમાં પૂરના પાણી ઘુસી જતા ગૌશાળામાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. જેથી તેઓએ નવસારી ફાયરની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમે ગૌશાળામાં ફસાયેલા 7 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.
પૂરની પરિસ્થિતિને કારણે જિલ્લાની તમામ શાળાઓમાં રજા અપાઈ
નવસારી : ગત બપોરે નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાવાની શરૂઆત થઇ હતી. જેથી ગત રોજ બપોરે જ નવસારી જિલ્લામાં આવેલી શાળાઓના બાળકોને તાત્કાલિક છોડી દેવામાં આવ્યા હતા. જયારે આજે પણ પૂરની પરિસ્થિતિ યથાવત રહેતા નવસારી નગરપાલિકા, નવસારી તાલુકા ગ્રામ્ય વિસ્તાર, ગણદેવી તાલુકા માટે નદીના પાણીથી રસ્તાઓ બંધ હોવાના કારણે આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રજા આપી દેવામાં આવી હતી.
માણેકપુર-તવડી રોડ પર વાહનમાં ફસાતા એકનું રેસ્ક્યુ કર્યું
નવસારી : નવસારીની પૂર્ણા નદીના પાણી નવસારી શહેર સહીત આજુબાજુના ગામોમાં ઘુસી જતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે મરોલી ગામે રહેતા નરેશભાઈ શાહ તેમના વાહન (નં. જીજે-21-સીએ-9546) માં ફસાયા હતા. જેથી નરેશભાઈએ નવસારી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી નરેશભાઈને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.
સ્થળાંતરિત લોકોને જરૂરી વ્યવસ્થા સાથે આરોગ્ય લક્ષી સેવા પુરી પાડી
નવસારી : ગત રોજ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા નવસારી અને ગણદેવી તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ભરાયેલ હતા. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી લોકોને સલામત રીતે આશ્રયસ્થાન પર ખસેડવામાં આવ્યા હતા. સાથે જ આશ્રયસ્થાન પર હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલીક ધોરણે સતર્કતા રાખી રહેવા જમવાની તથા આરોગ્યની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. તેમજ આરોગ્ય વિભાગ સતર્ક રહી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી નવસારી જીલ્લાના આશ્રયસ્થાન પર આરોગ્ય સ્ટાફ દ્વારા આરોગ્ય કેમ્પ કરી નાગરિકોની તપાસ કરી ટેબ્લેટ તથા જરૂરી દવાઓ આપી હતી.
પુરના પાણી ફરી વળતા જિલ્લાના 48 રસ્તાઓ બંધ કર્યા
નવસારી : ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા નવસારી જિલ્લાની પૂર્ણા નદી અને અંબિકા નદીનું જળસ્તર વધી જતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે પુરના પાણી રસ્તાઓ ઉપર પણ ફરી વળતા નવસારી જિલ્લા તંત્રએ રસ્તાઓ બંધ કરી દીધા હતા. સાથે જ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગણદેવી તાલુકાના 16 રસ્તાઓ, વાંસદા તાલુકાના 14 રસ્તાઓ, ચીખલી તાલુકાના 8 રસ્તાઓ, જલાલપોર તાલુકાના 5 રસ્તાઓ, નવસારી તાલુકાના 4 રસ્તાઓ અને ખેરગામ તાલુકાનો 1 રસ્તો મળી કુલ 48 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે નદીના જળસ્તરમાં ઘટાડો થતા પુરના પાણી ઓસરી જતા રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા.