નવસારી : નવસારીની પૂર્ણા નદીએ તેની ભયજનક સપાટી વટાવી જતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ શહેરની ખાડીઓ પણ છલકાતા ખાડી નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી નવસારી શહેરમાં અંદાજે 2100 લોકો અને નવસારી ગ્રામ્ય વિસ્તારના અંદાજે 1100 જેટલા લોકોને સ્થળાંતર કરાયા હતા. અને 10 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા. નવસારી શહેરમાં પુરની સ્થિતિ સર્જાતા શહેરના મુખ્ય માર્ગો પુરના પાણીમાં ગરકાવ થઇ જતા તંત્રએ શહેરના તમામ મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા હતા. જેથી એસ.ટી. વિભાગે પણ બસોના રૂટ ડાયવર્ટ કરી દીધા હતા અને ઘણા વિસ્તારોની ટ્રીપો ઓછી કરી દીધી હતી.
નવસારી જિલ્લામાં ગત રોજ સાંજે 6 વાગ્યા બાદ નવસારી જિલ્લાની અંબિકા નદી, પૂર્ણા નદી અને કાવેરી નદીના જળ સ્તરમાં ઘટાડો નોંધાયો હતો. જેથી આજે શુક્રવારે સવારે 6 વાગ્યે સુધી અંબિકા નદી 16.72 ફૂટે, પૂર્ણા નદી 16 ફૂટે અને કાવેરી નદી 11 ફૂટે વહી રહી હતી. પરંતુ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અચાનક પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થવા લાગ્યો હતો. સવારે 6 વાગ્યા બાદ પૂર્ણા નદી ભયજનક સપાટી વધાવી જતા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાનું શરુ થઇ ગયું હતું. ત્યારબાદથી પૂર્ણા નદીના જળ સ્તરમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી નવસારી શહેરમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી.
નવસારી શહેરના 16 વિસ્તાર, નવસારી ગ્રામ્યના 11 ગામો અને જલાલપોર તાલુકાના 11 ગામોને અસર થઇ છે. આજરોજ સવારે આઠ વાગ્યાના અરસામાં જલાલપોર તાલુકાના માણેકપોર ગામમાં પાણી ભરાવાની શરૂઆત થતાં તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. જેથી મામલતદાર, ટીડીઓએ મળીને અંદાજિત સો લોકોને માણેકપુર પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ સાથે માણેકપુર ગામના હળપતિવાસના પાંચ સગર્ભા માતા પૈકી 2 બહેનો જે 9 માસનો ગર્ભ ધરાવે છે અને 2 બહેનો જે 7 મહીનાનો ગર્ભ ધરાવે છે તેઓને સુરક્ષાના ભાગરૂપે નવસારી સિવિલ ખાતે એમ્બ્યુલન્સ મારફત અને મેડીકલ ટીમની નિગરાનીમાં સાવચેતીના ભાગ રૂપે સ્થળાંતર કરવામાં આવ્યા છે.
નવસારી શહેરી વિસ્તારમાં રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ, દશેરા ટેકરી, રૂસ્તમવાડી, વિજલપોર મારૂતિનગર, બંદર રોડ, કાશીવાડી, હિદાયત નગર જેવા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અંદાજિત 2100 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે. જ્યારે નવસારી ગ્રામ્ય તાલુકામાં પારડી ગામ, વાડા ગામ, અડદા ગામ, ધારાગીરી ગામ, નશીલપોર ગામ, પીનસાડ ગામ, કછોલ ગામ, કસ્બાપાર ગામ અને ચંદ્રવાસણસુપા ગામોમાં કુલ મળી અંદાજે 1100 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે. આ સિવાય નવસારી તાલુકાના અદડા ગામના 7 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તેમજ નવસારી શહેરના ૩ લોકોને રેસ્ક્યુ કરતા કુલ 10 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
નવસારી-સુરતનો રસ્તો બંધ કરી દેવાયો
આ સિવાય પુરના પાણી કસ્બાપાર, માણેકપોર-ટંકોલી ગામના મુખ્ય રસ્તા પર ફરી વળતા નવસારી-સુરત જતી એસ.ટી. બસો અને વાહન ચાલકો માટે રસ્તો બંધ કરી દીધો હતો. જ્યારે નવસારી-સુપા ગામ તરફના પુલ પરથી પાણી ફરી વળતા તે રસ્તો બંધ કરી દેતા નવસારી-બારડોલી એસ.ટી. બસ અને વાહન ચાલકોને અન્ય રસ્તા પરથી જવું પડ્યું હતું. જોકે વાહન ચાલકો ગ્રીડ તરફથી હાઈવે પર જઈ રહ્યા હતા. પરંતુ બપોરબાદ કાલીયાવાડી કલેક્ટર કચેરી પાસેથી પસાર થતી ખાડી છલકાતા કાલીયાવાડી-ગ્રીડ રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી વાહન ચાલકો ઇટાળવા થઇ ગણેશ-સિસોદ્રા થઇ હાઈવે પર જતા હતા. નવસારી શહેરના મુખ્ય રસ્તાઓ પાણી ગરકાવ થતા નવસારી એસ.ટી. બસના રૂટો બદલી નાંખવામાં આવ્યા હતા.
જિલ્લાના 70 માર્ગો તથા 4 મુખ્ય માર્ગો ઓવરટોપિંગ થયા
નવસારીથી સુરત જતી બસો ઇટાળવા થઇ ગણેશ સિસોદ્રા ગામ પાસેથી હાઈવે પરથી સુરત જઈ રહી હતી. જ્યારે નવસારી-બારડોલી જતી બસો પલસાણા થઇ જતી હતી. તેમજ બીલીમોરા તરફ જતી બસો અબ્રામા-કોસ્ટલ હાઈવે થઇ જતી હતી. પરંતુ ઉકાઈ જતી બસો મહુવાથી પરત ફરી હતી. જોકે જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામે તેમજ દાંડી ગામ તરફ જતી બસો રાબેતામુજબ ચાલી રહી હતી. પરંતુ મુસાફરો વધુ ન હોવાથી ટ્રીપો ઓછી કરી દીધી હતી. આ સિવાય નવસારી જિલ્લાના નાના-મોટા 70 માર્ગો તથા 4 મુખ્ય માર્ગો (મા.મ.વિભાગ સ્ટેટ હસ્તક) ઓવરટોપિંગ થયા હતા.
નવસારીરના 35 હજારથી વધુ લોકો પુરથી પ્રભાવિત થયા
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી જતા નવસારી શહેરના વિરાવળ, એ.પી.એમ.સી. માર્કેટ, ગધેવાન, મચ્છી માર્કેટ, કમેલા રોડ, રંગુન નગર, હિદાયત નગર, નવસારી રેલ્વે સ્ટેશનથી વિરાવળ જકાતનાકા સુધીનો રીંગરોડ, ભેસતખાડા, માછીવાડ, ઝવેરી સડક મહાવીર નગર, કાશીવાડી, દાંડીવાડ, ફુવારા પાસે રમાબેન હોસ્પિટલ પાસેનો વિસ્તાર, ઠક્કરબાપા વાસ, શાંતાદેવી રોડ, બંદર રોડ, રાયચંદ રોડ સહિતના વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ નવસારી શહેરની ખાડીઓ પણ છલકાઈ જતા દશેરા ટેકરી, કાલીયાવાડી, કબીલપોર, જયશંકર પાર્ટી પ્લોટ પાસે, આદર્શ નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા 35 હજારથી વધુ લોકો પુરથી પ્રભાવિત થયા હતા. જેના પગલે તમામ વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવું પડયું હતું.
શાંતાદેવી રોડ પર પાણી ભરાતા હીરાના કારખાનામાં રજા અપાઈ
નવસારી : નવસારીની પૂર્ણા નદી વહેલી સવારે તેની ભયજનક સપાટી વટાવી ગયું હતું. જોકે પૂર્ણા નદીના નજીકના વિસ્તારોમાં પાણી ભરાવાનું શરુ થઇ ગયું હતું. જોકે શાંતાદેવી રોડ પર પાણી ભરાયા ન હતા. જેથી શાંતાદેવી રોડ પર ચાલતા હીરાના કારખાના ચાલુ રાખ્યા હતા. પરંતુ પૂર્ણા નદીના જળ સ્તર વધવા લાગતા પુરના પાણી આગળ વધતા શાંતાદેવી રોડ તરફ ભરાવા લાગ્યા હતા. જેથી હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોને રજા આપી દેવામાં આવી હતી.
નવસારીની શાળા-કોલેજોમાં મોડે-મોડે રજા જાહેર કરાઈ
નવસારી : નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા જિલ્લા તંત્રએ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી હતી. જોકે નવસારી જિલ્લામાં વરસાદ પડતો ન હોવાથી આજે વાલીઓ તેમના બાળકોને શાળાએ મોકલવા માટે તૈયાર કરી રહ્યા હતા. તેમજ કેટલાક વિદ્યાર્થીઓ તો શાળાએ જવા નીકળી પણ પડ્યા હતા. જોકે નવસારી જિલ્લા તંત્રએ મોડે-મોડે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેતા વાલીઓએ બાળકોને શાળાએ મોકલ્યા ન હતા. તેમજ જે વિદ્યાર્થીઓ શાળાએ જવા નીકળી ગયા હતા તેઓને પણ ઘરે મોકલી દીધા હતા.