રવિવારે સાંજથી વાદળો વરસી રહ્યાં છે. 40 કલાકના ટૂંકા સમયમાં બે વાર શહેરના અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાયા છે. સોમવારે સામટો 12 ઈંચ વરસાદ પડ્યો ત્યારે નવા ડેવલપ વિસ્તારો જેવા પાલ, અડાજણ, વેસુમાં ઠેરઠેર પાણી ભરાયા હતા અને હવે આજે રાત્રે 4થી 6 દરમિયાન બે કલાકમાં 4 ઈંચ વરસાદ પડતાં ખાડી છલકાઈ ગઈ છે અને ખાડી કિનારાના પુણા ગામ, સારોલી સહિતના વિસ્તારોમાં ખાડી પૂરની સ્થિતિ ઉદ્દભવી છે.
બે દિવસથી સુરતીઓ પૂરના પાણીમાં ફસાયા હોવાનો અનુભવ કરી રહ્યાં છે. લોકોના વાહનો પાણીમાં ડૂબી ગયા છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. કાપડ માર્કેટો, ઓફિસોમાં કમર સુધીના પાણી ભરાયા છે, તેના લીધે લાખોનું નુકસાન થયું છે. બીજી તરફ સુરત મનપા પાણીના નિકાલ કર્યાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકી પોતાની પીઠ થાબડી રહી છે. ખરેખર તો અનેક ઠેકાણે પાણી પાલિકાના અણધડ આયોજનના લીધે જ ભરાયા હોવાની ફરિયાદ છે. લોકો કહી રહ્યાં છે કે જળશક્તિ મંત્રીના શહેરમાં જળશક્તિનો પરચો જોવા મળી ગયો છે.
સોમવારે દિવસ દરમિયાન 9 ઈંચ વરસાદ પડ્યો હતો, ત્યારે બાદ રાત્રિ દરમિયાન વરસાદનું જોર થોડું નરમ પડ્યું હતું. જોકે, ફરી એકવાર 3.30 વાગ્યા બાદ વરસાદનું જોર વધ્યું હતું અને 6 વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો, જેના લીધે પુણા સીમાડા વિસ્તારમાંથી પસાર થતી ખાડી છલકાઈ ગઈ હતી. આસપાસના ગામોમાં ખાડીના પાણી ભરાઈ ગયા હતા. કાપડ માર્કેટની દુકાનો પાણીમાં ગરક થઈ ગઈ હતી. સણીયા હેમાદ ગામના ઘરોમાં પાણી ભરાયા હતા. ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
આ તરફ પાલ, અડાજણ, રાંદેરના લોકોએ પણ રાતે વરસેલા જોરદાર વરસાદે ઉજાગરા કરાવ્યા હતા. ફરી એકવાર એપાર્ટમેન્ટોના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા. રોડ પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા હતા. વહેલી સવારથી પાલિકાના તંત્રએ ડી વોટરિંગ કરવા દોડધામ કરવી પડી હતી. ગંગેશ્વર પાસે રાત્રિના 4 વાગ્યે ડિ વોટરીંગ કરાયું હતું. દરમિયાન શાળાઓમાં આજે રજા આપી દેવાઈ હતી.