નવી દિલ્હીઃ વિશ્વના સૌથી સૂકા સ્થળ ગણાતા આફ્રિકાના સહારા રણમાં 50 વર્ષ બાદ પહેલીવાર ભારે વરસાદ થયો છે. વરસાદના લીધે ઉજ્જડ અને નિર્જન જગ્યાને હરિયાળીમાં બદલી નાખી છે. રેતીના ટેકરાઓ નીચે હવે પાણીના તળાવ જોવા મળી રહ્યાં છે. જે સ્થાનો પહેલા સૂકા હતા તે હવે લીલાછમ મેદાનોમાં પરિવર્તિત થયા છે.
સ્થિતિ એવી છે કે છેલ્લા 2 દિવસથી સતત વરસાદ બાદ અહીં પૂર આવ્યું છે. મોરક્કન હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, મોરોક્કોમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે દેશમાં સરેરાશ વાર્ષિક વરસાદનો રેકોર્ડ તૂટી ગયો છે.
અગાઉ 1974માં સહારા રણમાં 6 વર્ષના દુષ્કાળ પછી વરસાદ પડ્યો હતો જે બાદમાં પૂરમાં ફેરવાઈ ગયો હતો.
હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું કે છેલ્લા 50 વર્ષમાં પ્રથમ વખત સહારાના રણમાં આટલા ઓછા સમયમાં આટલો વરસાદ થયો છે. NASA સેટેલાઇટ ઇમેજમાં ઇરીકી તળાવમાં પાણી ભરાયેલું જોવા મળે છે, જે છેલ્લા 50 વર્ષથી સુકાઈ ગયું હતું. સહારાના રણમાં રેતી ભરાતા પાણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મોરોક્કન હવામાન એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજધાની રાબાતથી 450 કિમી દક્ષિણમાં સ્થિત ટાગૌનાઇટ ગામમાં 24 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ થયો છે. નાસાની સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે જગોરા અને ટાટા વચ્ચેનું ઇરીકી તળાવ, જે 50 વર્ષથી સુકું હતું તે પૂરના કારણે ફરી ભરાઈ ગયું છે. સહારા રણના સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ આ વરસાદથી આશ્ચર્યચકિત છે.
સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ રણમાં આવેલા તળાવો અને પાણીથી ભરેલા ટેકરાઓ જોવા મોટર વાહનોમાં સહારા રણમાં આવે છે. તેમના માટે આ એક અદ્ભુત નજારો છે, જેને જોઈને તેઓ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.
તમને જણાવી દઈએ કે, સહારા રણ 92 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તે વિશ્વનું સૌથી મોટું રણ છે જે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના 10 દેશોમાં ફેલાયેલું છે. જેમાં માલી-મોરોક્કો, મોરિટાનિયા, અલ્જેરિયા, ટ્યુનિશિયા, લિબિયા, નાઈજર, ચાડ, સુદાન અને ઈજીપ્ત જેવા દેશોનો સમાવેશ થાય છે.