SURAT

સુરતીઓ માટે ખુશખબર, આ રૂટની ફ્લાઇટ ફરી શરૂ થશે

સુરત: તાજેતરમાં સુરતથી બંધ થયેલી ફ્લાઇટ ફરી શરૂ થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલને ખાતરી આપી હતી. એ મુજબ સુરતથી દિલ્હી અને બેંગ્લોરની ફ્લાઇટ ફરી શરૂ થશે.

  • સુરત એરપોર્ટ ધમધમશે, બંધ થયેલી દિલ્હી અને બેંગ્લોરની ફ્લાઇટ ફરી શરૂ થશે
  • કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુને જળશક્તિ મંત્રી સી.આર.પાટીલએ કરેલી રજૂઆત ફળી
  • NOTAMને કારણે બંધ થયેલી સુરત-જયપુરની ફ્લાઈટ પણ 1લી જુલાઈથી ફરી શરૂ થઈ ગઈ

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા દિલ્હી-સુરત-દિલ્હી અને દિલ્હી-સુરત-બેંગ્લોર ફ્લાઇટ જે કેન્સલ કરવામાં આવી હતી એ ફરી શરૂ કરવા ઉડ્ડયન મંત્રીએ ખાતરી આપી છે. તા.2 જુલાઈએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાથે પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની મિટિંગ યોજાઇ હતી. જેમાં તેમણે દિલ્હી-સુરત-દિલ્હી માટેની ઈન્ડિગો અને દિલ્હીથી વાયા સુરત-બેંગ્લોરની એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ઓપરેટ થતી ફ્લાઈટ જે રદ કરવામાં આવી હતી તેને ફરીથી ચાલુ કરવા માટે ભારપૂર્વક માંગણી કરી હતી.

આ માંગણીને સાંભળ્યા બાદ કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ તેને ફરીથી ઓપરેટ કરવા માટે ખાતરી આપી હતી. આ બંને ફ્લાઈટ્સ ફરીથી ઓપરેટ થવા જઈ રહી છે ત્યારે સુરતના નાગરિકો વતી કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટીલનો આભાર પ્રગટ કરવામાં આવ્યો છે.

ઉપરાંત એર ઈન્ડિયા એક્સપ્રેસે તા.1 જુલાઈથી ગોવા, ચેન્નાઈ અને હૈદરાબાદની ફ્લાઇટ્સ રદ કરી એ ફરી શરૂ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે સુરત એરપોર્ટથી તા.1 જુલાઈથી ગોવા, ચેન્નાઈ અને હૈદરાબાદની ફ્લાઇટ્સ જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી રદ કરી દીધી છે. NOTAMને લીધે બંધ થયેલી ઈન્ડિગોની સુરત-જયપુર ફ્લાઇટ તા.1 જુલાઈથી ફરી શરૂ થઈ ગઈ છે.

Most Popular

To Top