ખંભાત: ખંભાતના વત્રા ગામના યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જવાના ગુનામાં આણંદ પોસ્કો કોર્ટે દિશા ચિન્હરૂપ ચુકાદો આપ્યો છે. વત્રાનો યુવક સગીરાને મિત્રના મદદથી મધ્યપ્રદેશ ભગાડી ગયો હતો અને જ્યાં જુદી જુદી જગાઓએ લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.સગીરાને પરિવાજનોની ફરિયાદ આધારે ખંભાત રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન આરોપી યુવક અને તેના મિત્રને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા હતા. જે યુવકને આણંદ પોસ્કો કોર્ટે 20 વર્ષની સખ્ત કારાવાસની સજા ફરમાવી છે જ્યારે તેના મિત્રને શંકાનો લાભ આપી મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
વત્રા ગામે રહેતી 15 વર્ષીય સગીરાને 26 જુલાઈ 2021ના રોજ ગામની જ વાડિયા સીમમાં રહેતો હિતેશ નવઘણભાઈ ઠાકોર (ઉં -21) લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. દુષ્કર્મ ગુજારવાના ઇરાદે સગીરાને ભગાડી ગયેલ હિતેશને મૂળ વત્રાનો પણ હાલ મધ્યપ્રદેશના જાંબુઆ ગામે રહેતા મિત્ર કાંતિભાઈ નારસિંહભાઈ ઠાકોરે મદદ કરી હતી. હિતેશે સગીરાને મધ્યપ્રદેશ લઈ જઈ અલગ અલગ જગાએ રાખીને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાબતે ખંભાત રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને મધ્યપ્રદેશથી હિતેશ ઠાકોર અને ત્યારબાદ સહઆરોપી મિત્ર કાન્તીભાઈ ઠાકોર ઝડપી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવ્યું હતુ.
આ કેસ આણંદના સ્પેશ્યલ પોક્સો અને એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યાે હતાે. જ્યાં ફરિયાદ પક્ષ તરકે ઉપસ્થિત સરકારી વકિલ જાગૃતિબેન રાઠોડ કેસના સમર્થનમાં 10 જેટલા સાક્ષીઓ તપાસ્યા હતા અને 22 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. તેઓએ ધારદાર દલિલો કરતાં જણાવ્યું હતુ કે ભોગ બનનાર સગીરાની જુબાની તેમજ રજુ થયેલા પુરાવાઓ પરથી ફલિત થાય છે કે સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયા બાદ તેણીની મરજી વિરૂધ્ધ જાતીય અત્યાચાર ગુજાર્યું છે. હાલ સમાજમાં કુમળી વયની દિકરીઓને ભગાડીને દુષ્કર્મ ગુજારવાના કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવો ગુનો કરતા ગુનેગારો અચકાય તેવી સજા કરવા અપીલ કરી હતી.
જજ એસ. ડી. દેસાઈએ સરકારી વકિલની દલિલો તેમજ રજુ થયેલા પુરાવાઓ અને દલીલો ધ્યાને લઇ આરોપી હિતેશભાઈ નવઘણભાઈ ઠાકોરને તકશીરવાર ઠેરવીને વીસ વર્ષની સખત કેદની સજા અને 32 હજારનો દંડ, જો દંડ ના ભરે તો વધુ 8 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે સહ આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનાર કિશોરીને ધી પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સ રૂલ્સ-2020ના નિયમ 9 (2) મુજબ વળતર પેટે પાંચ લાખ રૂપિયા ચુકવવાનો પણ ચુકાદામાં નિર્દેશ કરવામાં આવ્યો છે.