Charchapatra

ચાપલૂસી

દરેક વ્યક્તિ પાસે અનેક પ્રકારની આવડત હોય. વ્યક્તિને જીવનમાં આગળ વધવા આવડત જરૂરી છે. અનેક પ્રકારની લલિત કળાઓ માનવ જીવનને સમૃદ્ધ બનાવે અને સફળતા મેળવવા માટેની કેડી બને છે. કોઈ સરસ લખી શકે, બોલી શકે, સંગીત વાદ્ય વગાડી શકે, ગીત ગાઈ શકે. વાક્પટુતા એટલે તડાતડ જવાબ આપવાની શક્તિ. ચતુરાઈ, હોંશિયારી હોય તે આગળ નીકળી જાય, બીજા પાછળ રહી જાય એમ બને. આજકાલ આગળ વધવાની કળા, ચાપલૂસી સર્વત્ર પ્રસરી ગઈ હોય એવું લાગે છે. આમ પણ ચાપલૂસી એટલે દોઢડહાપણ જ કહેવાય. ખાનગી, સરકારી કે અર્ધસરકારી નોકરીમાં આ સડો વધુ પડતો જોવા મળે.

બોસ એટલે કે ઉપરી અધિકારી આગળ સાથી કાર્યકરની વાતો કરે જેથી પોતે બીજાથી અલગ હોય એવું લાગે. રજા અથવા બઢતી મળે એટલા માટે કામચોર કર્મચારીઓ ચાપલૂસીનું શસ્ત્ર વાપરે છે. કર્મયોગી હોય તેવા કાર્યકર આવી બાબતોથી દૂર રહે છે. વળી આગળ વધવા માટે ભલામણ, ઓળખાણ કે પિછાણનો લાભ લેનારાની સંખ્યા પણ વિપુલ માત્રામાં જોવા મળે. મારું અંગત મંતવ્ય છે કે, ભલામણનો કાગળ લાવનારની સાથે ખપ પૂરતી વાતો કરીને મોકલી દેવામાં સમજદારી છે. સ્વપ્રયત્ને આગળ વધનારને પ્રોત્સાહન આપવું જોઈએ. ખોટી ભલામણ કે ચાપલૂસી કરનારને પાછળ રાખી પોતાની શક્તિથી આગળ વધવાની આવડત હોય તેની પસંદગી કરી ન્યાય આપી શકાય.
નવસારી     કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કતારગામની પાપડી
સુરત કોટ વિસ્તાર પૂરતું સીમિત હતું.આજુબાજુનાં ગામોમાં ખેતરો હતાં.કતારગામમાં પાપડીનાં ખેતરો હતાં.શિયાળામાં પાપડીની સિઝન ચાલુ થાય. સુરતીઓ માટે પાપડીનું ઉંધિયું માનીતું શાકભાજી છે.જે શિયાળામાં ઘરે ઘરે બનાવવામાં આવે છે.સુરતીઓ રતાળુ અને બટાકાવાળું પાપડીનું શાક પણ ખાય છે. પાપડીના દાણાના લીલવા પણ સ્વાદિષ્ટ હોય છે.લગ્ન પ્રસંગમાં પાપડીના લીલવા પણ બનાવવામાં આવે છે. પાપડીના દાણાવાળો ભાત પણ ટેસ્ટફુલ હોય છે.વેંગણ પાપડીનો લચકો ,પાલક પાપડીનું શાક,પાપડીના દાણાની પેટીસ જેવી અનેક વાનગીઓ સુરતીઓ આરોગે છે.

નોનવેજ ખાતા સુરતીઓ પાપડીમાં મટન પણ બનાવે છે.પાપડીમાં ખીમો,પાપડીમાં મામના જેવી નોનવેજ વાનગીઓ શિયાળામાં સુરતીઓ ટેસ્ટથી ખાય છે.આજે સુરતની આજુબાજુ ખેતરો નથી પરિણામે દિવાળીમાં પાપડીના ભાવ આસમાને ગયા હતા.વિકાસના વંટોળમાં જ્યાં જુઓ ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલો ઊભાં થઇ રહ્યાં છે. ભવિષ્યમાં ખેતીલાયક જમીનો બચશે કે કેમ? એ બાબત ચિંતાનો વિષય છે.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top