આપણાં દેશમાં હવે સોસાયટીઓ કરતાં એપાર્ટમેન્ટ વધારે જોવા મળે છે. એપાર્ટમેન્ટનું કામ પૂર્ણ થયા પછી ફ્લેટ હોલ્ડરોએ જાતે સોસાયટીની નોંધણી કરાવી સોસાયટીનું સંચાલન કરવાનું હોય છે. તેમાં પ્રમુખ તથા બીજા સભ્યો સેવા આપે છે. એપાર્ટમેન્ટનાં ખર્ચને પહોંચી વળવા ફ્લેટ હોલ્ડરો અને ભાડૂઆતો પાસે મેન્ટેનન્સ ઉઘરાવાય છે. તેમાં લાઈટબીલનો હોય છે, ત્યારબાદ લિફ્ટ, વોચમેન અને સફાઈવાળાના પગાર, અન્ય રીપેરીંગ ખર્ચ માટે પ્રમુખે સંચાલન કરવાનું હોય છે પરંતુ જાત અનુભવ અને લોકો પાસેથી સાંભળવામાં આવેલ છે તે મુજબ કેટલાક ફ્લેટ હોલ્ડરોને આ મેન્ટેનન્સ વિશેનો ખ્યાલ નથી હોતો કે ગંભીરતા કે દાનત નથી હોતી અને છ-છ મહિના સુધી મેન્ટેનન્સ આપતા નથી અને અન્ય લોકોએ સહન કરવું પડે છે. ટ્રાન્સફર ફી પણ વહેલા આપતા નથી અને લિફ્ટ બગડી હોય કે પાણી ન આવતું હોય તો ઝઘડી જાય છે. કમિટી પાસે ફ્લેટ હોલ્ડર વિરૂધ્ધ પગલાભરવા કોઈ સત્તા હોતી નથી કે રકમ માટે રીકવરી કરવાનો કોઈ પ્રોસિજર નથી અને તેમ કરવા માટે પણ સોસાયટીના ફંડ માંથી જ ખર્ચ કરવો પડે. આથી એપાર્ટમેન્ટ- ફ્લેટમાં રહેતા લોકોને વિનંતી છે કે મેન્ટેનન્સ પોતાની ફરજ સમજીને ચૂકવે
સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભારતની વધતી પ્રતિષ્ઠા
આજના સમયમાં ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા સતત વધી રહી છે. વિશ્વના અનેક દેશોમાં ભારતીય મૂળના લોકો ઉચ્ચ અને મહત્વપૂર્ણ પદો પર છે. સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગે જણાવ્યું હતું કે તેમની પાર્ટી ભારતીય મૂળના ઉમેદવારોને પણ ટિકિટ આપશે, કારણ કે તેઓ ભારતીયોને ઈમાનદાર, બુદ્ધિશાળી અને મહેનતુ માને છે. સિંગાપુરમાં લગભગ 7.4 ટકા ભારતીય મૂળના લોકો વસે છે. આજે વિશ્વના ઘણાં દેશોમાં ભારતવંશી રાષ્ટ્રપ્રમુખો છે અને દેશોમાં સરકાર કે વિપક્ષમાં ઓછામાં ઓછો એક ભારતીય છે.
કેનેડામાં સૌથી વધુ ભારતીય મૂળના સાંસદો છે અને ઘણા કેબિનેટ-મંત્રીઓ પણ છે. બ્રિટનમાં ઋષિ સુનક વડાપ્રધાન બન્યા હતાં અને અમેરિકામાં કમલા હેરિસ ઉપરાષ્ટ્રપ્રમુખ હતાં. વિશ્વની અનેક મોટી કંપનીઓમાં ભારતીય સીઈઓ છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ 22 દેશોએ સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે, જેમાં ઘણા મુસ્લિમ દેશો પણ છે. આ બધું ભારતની વધતી પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે, જે વૈશ્વિક સ્તરે ભારતની તાકાત અને પ્રભાવને દર્શાવે છે, આ બાબતનું આપણે ગૌરવ લેવું જોઈએ.
ઉમરગામ – નિખિલકુમાર દરજી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
