Business

પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા તેજ: ઈઝરાયલનો તેહરાનમાં રાષ્ટ્રપતિ સંકુલ પર પ્રહાર, દોહા-મનામામાં વિસ્ફોટ

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સતત ગંભીર બનતો જઈ રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલાઓ પછી પરિસ્થિતિ સંપૂર્ણ યુદ્ધની કગાર પર પહોંચી ગઈ છે. યુએસ-ઈઝરાયલી કાર્યવાહી દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા Ayatollah Ali Khameneiના મોત બાદ તેહરાને ખાડી દેશોમાં અમેરિકા સાથે જોડાયેલા ઠેકાણાઓ પર બદલો લેવા માટે હુમલાઓ શરૂ કર્યા છે. મંગળવારે એટલે કે આજે તારીખ 3 માર્ચના રોજ ઈઝરાયલે તેહરાનમાં આવેલા ઈરાનના કેન્દ્રીય મુખ્યાલયને નિશાન બનાવ્યું, જેમાં રાષ્ટ્રપતિ સંકુલનો પણ સમાવેશ થાય છે. આ વચ્ચે કતારની રાજધાની દોહા અને બહેરીનની રાજધાની મનામામાં નવા વિસ્ફોટો અને સાયરન સંભળાતા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકા અને ઈઝરાયલ સાથે કોઈ પણ વાતચીત કરવાની પહેલને નકારી કાઢી છે. અને કહ્યું છે કે તે “દુષ્ટતા સામે ઊભું છે”. મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ જણાવ્યું હતું કે, “જે લોકોએ રાજદ્વારી બનવાનો દાવો કર્યો હતો પરંતુ ઈરાનના તર્ક સામે, નમ્યા અને લશ્કરી વિકલ્પ તરફ વળ્યા, તેમના પર શાશ્વત અપમાન રહેશે.”

વહેલી સવારે ઈરાને સાઉદી અરેબિયામાં અમેરિકી દૂતાવાસને ડ્રોનથી નિશાન બનાવ્યું હતું. સાઉદી સંરક્ષણ મંત્રાલય મુજબ રિયાધ સ્થિત દૂતાવાસમાં મર્યાદિત આગ લાગી અને થોડું નુકસાન થયું. અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trumpએ જણાવ્યું કે ઈરાન સામેની કાર્યવાહી આગામી 4થી 5 અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે અને જરૂર પડે તો વધુ સમય સુધી પણ આગળ વધશે. કોંગ્રેસ સભ્યોને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ અંગે માહિતી આપતા વિદેશ સચિવ Marco Rubioએ કહ્યું કે “અમેરિકી સૈન્યના સૌથી કડક પ્રહાર હજુ બાકી છે.” બીજી તરફ, ઈઝરાયલના વડાપ્રધાન Benjamin Netanyahuએ હુમલાઓ ચાલુ રાખવાની વાત કરી પરંતુ તેને “અંતહીન યુદ્ધ” ન ગણાવ્યું હતું.

ઈરાન સમર્થિત જૂથ Hezbollahદ્વારા હાઈફા તરફ ડ્રોન હુમલાઓ પછી ઈઝરાયલે લેબનોનમાં પોતાની કાર્યવાહી તેજ કરી છે. નવેમ્બર 2024ના યુદ્ધવિરામ બાદ ફરી એકવાર બંને તરફથી ગોળીબાર વધ્યો છે. લેબનોન સરકારે દેશમાં હિઝબુલ્લાહની તમામ લશ્કરી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઈરાનમાં યુએસ-ઈઝરાયલી હુમલાઓમાં મૃત્યુઆંક 787 સુધી પહોંચ્યો છે, જેમાં મિનાબમાં કન્યા શાળાને નિશાન બનાવતા આશરે 180 લોકોના મોત નોંધાયા છે. અમેરિકી સૈન્યના જણાવ્યા મુજબ ઈરાન પરની કાર્યવાહી દરમિયાન 4 અમેરિકન સૈનિકો માર્યા ગયા અને 4 ગંભીર રીતે ઘાયલ થયા છે. લેબનોનમાં દક્ષિણ ભાગમાં ઈઝરાયલી હુમલાઓથી 52 લોકોના મોત અને 154 લોકો ઘાયલ થયા છે. યુએઈના દુબઈ અને અબુ ધાબીમાં થયેલા હુમલાઓમાં 3 લોકોના મોત અને 58 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલમાં ઈરાની હુમલાઓથી 10 લોકોના મોત થયા છે, જ્યારે ઈરાકમાં 2 લોકોનાં મૃત્યુ નોંધાયા છે. કુવૈત, ઓમાન અને બહેરીનમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે કતારમાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે. સમગ્ર પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં વધતા હુમલાઓને કારણે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે અને વિશ્વ સમુદાય ચિંતિત બન્યો છે.

Most Popular

To Top