સુરતનો સમાવેશ સ્માર્ટ સિટીમાં થયો છે. સાથેસાથે વિશ્વનું સૌથી મોટુ ડાયમંડ બુર્સ પણ સુરતમાં નિર્માણ પામી રહ્યુ છે. તેને લઇને દક્ષિણ આફ્રીકા અને કેનેડા જેવા દેશોને સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોમાં રસ પડ્યો છે. બન્ને દેશો સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે બીટુબી વેપાર કરવા ઉપરાંત દ્વિપક્ષીય ધોરણે મૂડી રોકાણ કરવા માટે પણ સંભાવનાઓ ચકાસી રહ્યા છે. જો આ સંભાવનાઓ ફળીભૂત થાય તો દક્ષિણ ગુજરાતમાંથી ક્સટાઇલ,ડાયમંડ જ્વેલરી,ફાર્માસ્યૂટિકલ અને ફુડ પ્રોસેસિંગની પ્રોડક્ટ એક્સપોર્ટ થઇ શકે છે. તાજેતરમાં બન્ને દેશોના કોન્સલ જનરલ દ્વારા ચેમ્બરમા સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે બેઠકો યોજવામાં આવી હતી.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વિદેશ વ્યાપાર ૧૧.પ૦ બિલિયન યુએસ ડોલરનો છે, જેને વધારીને ર૦ બિલીયન યુએસ ડોલર કરવાનો ધ્યેય બંને દેશોની સરકારોએ રાખ્યો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવા માટે ભારત અને સાઉથ આફ્રિકામાં બ્લોકમાં નકકી થયેલા ફ્રેમવર્ક ઉપર કામ કરી આગળ વધી શકે છે.
હાલમાં ભારત તરફથી એકસપોર્ટ થતા પ્રોડકટ્સમાં મોટા ભાગે એગ્રીકલ્ચર ગુડ્સ અને એગ્રો કોમોડીટીઝનો સમાવેશ થાય છે. જ્યારે સાઉથ આફ્રિકાથી ભારતમાં કોલસો, ડાયમંડ, ગોલ્ડ અને મેટલ ઓર્સ આયાત થાય છે. ભારતથી સાઉથ આફ્રિકામાં ટેકનીકલ ટેકસટાઇલ, મેન મેઇડ ફાયબર ટેકસટાઇલ્સ, હેન્ડમેડ પ્રિસેસ મટીરિયલ જ્વેલરી, એન્જીનિયરીંગ ગુડ્સ, ફાર્માસ્યુટીકલ તથા ઓટો મોબાઇલ્સ ક્ષેત્રે પ્રોડકટ્સ એકસપોર્ટ કરવા માટે ઘણી તકો તપાસવાની આવશ્યકતા હોઇ એના માટે એક જોઇન્ટ સ્ટડી ગ્રુપ બનાવવામાં આવશે.
ખાસ કરીને હાલમાં જ આફ્રિકન યુનિયન સાથે બનાવવામાં આવેલી નવી ટ્રેડ પોલિસીનો અભ્યાસ કરાશે. સાઉથ આફ્રિકામાં વર્ષ દરમ્યાન ૪૮૯૦૦ ટન કોટનનું ઉત્પાદન કરવામાં આવે છે. ટેકસટાઇલ અને ગારમેન્ટ ક્ષેત્રે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ માટે વિપુલ તકો સાઉથ આફ્રિકામાં રહેલી છે. આ ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ, એગ્રીકલ્ચર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ કરવા માટે વિશાળ તકો છે. સાઉથ આફ્રિકાના કોન્સલ જનરલ એન્ડ્રી કુહન કહે છે કે સાઉથ આફ્રિકાની સરકારે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રકચર ખૂબ જ ઝડપી રીતે ડેવલપ કર્યું છે.
કેપ્ટીવ પાવર પ્લાન્ટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર વધાર્યું છે. માઇનીંગ ક્ષેત્રે નવી ટેકનોલોજી ડેવલપ કરી છે. એન્જીનિયરીંગ ક્ષેત્રને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હેઠળ આવરી લીધું છે. તદુપરાંત ઓટોમોટીવ સેકટરની અને એગ્રો પ્રોસેસિંગની વેલ્યુ ચેઇનમાં ઘણી તકો છે. તેમણે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ટેકસટાઇલ, ડાયમંડ જ્વેલરી, ફૂડ પ્રોસેસિંગ, એગ્રીકલ્ચર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્માસ્યુટીકલ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ કરવા માટે આમંત્રિત પણ કર્યા હતા.
દક્ષિણ આફ્રિકાની જેમ કેનેડામાં પણ વેપારની વિપુલ તકો છે. ઇન્ડો-કેનેડિયન ઉદ્યોગ સાહસિક મુકુંદ પુરોહિતે કહે છે કે, કેનેડામાં ગુજરાતી બિઝનેસ એસોસીએશનની સ્થાપના થઇ હતી અને તેનો મુખ્ય હેતુ કેનેડામાં વસનાર ગુજરાતીઓને સૌપ્રથમ બિઝનેસ આપવાનો છે. ભારતીય ફૂડની આઇટમ કેનેડામાં ઉપલબ્ધ થતી નથી. પહેલા એવું હતું કે માત્ર ભારતીયો જ ભારતીય ફૂડ પસંદ કરતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે ભારતીયો ઉપરાંત મેઇન સ્ટ્રીમના લોકો પણ ભારતીય ફૂડને પસંદ કરે છે. આથી ભારતીય ફૂડ તેમાં પણ ખાસ કરીને રેડી ટુ ઇટવાળી આઇટમની કેનેડામાં ભારે ડિમાન્ડ છે. પ્રોપર પેકેજિંગ કરીને રેડી ટુ ઇટ ફૂડ કેનેડામાં નિર્યાત કરવા માટે વિશાળ તક રહેલી છે.
વલસાડની કેરીની ખૂબ જ મોટી ડિમાન્ડ કેનેડામાં રહે છે. કેનેડામાં જેટલી ડિમાન્ડ રહે છે તેટલો સપ્લાય ભારતમાંથી થતો નથી. રેડીમેડ ગારમેન્ટ કેનેડામાં આવે છે પણ ભારતથી આવતું નથી ત્યારે દુઃખ થાય છે. આથી ભારત માટે રેડીમેડ ગારમેન્ટ કેનેડામાં નિર્યાત કરવા માટે વિશાળ તક છે. નોર્થ અમેરિકાનું આખું માર્કેટ રેડીમેડ ગારમેન્ટ માટે ઉપલબ્ધ છે. આઇટી કંપનીઓ સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ માટે પણ કેનેડામાં ઘણી તકો રહેલી છે. કેનેડાના કેટલાક રાજ્યો દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકોને કેનેડામાં લાવવા માટે ઇમીગ્રેશન પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.
આઇટીમાં જે લોકોને ત્રણ વર્ષથી વધારાનો અનુભવ થયો છે તેઓ કેનેડામાં ઓફિસ પણ ખોલી શકે છે. ફેશનમાં લેધરની વસ્તુઓ તેમજ નેચરલ અને ઓર્ગેનીક ચીજવસ્તુઓની પણ ખૂબ ડિમાન્ડ કેનેડામાં રહે છે. કેનેડામાં પ્રિન્ટીંગ એન્ડ પેકેજિંગ, કલીનટેક વોટર, સ્માર્ટ સિટી અને સોલાર સંબંધિત ટેકનોલોજી માટે પણ ઘણી તકો છે. કોઇપણ પ્રોડકટની નિર્યાત કરવા માટે અમદાવાદમાં આવેલી કેનેડાની ટ્રેડ ઓફિસ તેમજ કેનેડાના કોન્સુલ જનરલની મદદ લઇ શકાય છે. આ ઉપરાંત ઇન્ડો કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ વિગેરે સંસ્થાની બીટુબી બિઝનેસ માટે કનેકટીવિટી મેળવી શકાય છે.