કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે, તેવી રીતે ફરી એક વખત કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા હતા. પરિણામે લોકો ભયભીત બની ગયા હતા.આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે મંગળવારે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ધરતીકંપના જુદા જુદા સમયે પાંચ આંચકા અનુભવાયા હતા.
આ તમામ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.5 થી 3.5ની નોંધાવા પામી હતી. જ્યારે તેનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક દુધાઈ હોવાનું જણાયું હતું. પહેલો આંચકો સોમવારે રાત્રે 11-07 કલાકે આવ્યો હતો. જે 3.5ની તીવ્રતાનો હતો. ત્યારબાદ મોડી રાત્રે 1-41 કલાકે 2.4ની તીવ્રતાનો, 1-57 કલાકે 2.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ સવારે 7-04 કલાકે 2.1 અને 7-30 કલાકે 2.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જો કે આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની કે નુકસાનના અહેવાલ મળ્યા નથી, પરંતુ વારંવાર ભૂકંપના આંચકાથી લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી.