5 એટલે કે 5 એક શુકનિયાળ સંખ્યા છે. અત્યારે તો તેની કિંમતમાં કટિંગ ચા પણ નથી આવતી પણ એક જમાનો હતો કે તે આઈસ્ક્રીમ રીસેપ્શનના ચાંલ્લાની બેઝીક રકમ હતી. 70-80 ના દાયકામાં મેરેજ રીસેપ્શનમાં ડીનર નહોતા થતા પણ માત્ર આઈસ્ક્રીમ પાર્ટી રખાતી હતી. તેમાં મેક્સિમમ આશીર્વાદ કે શુભેચ્છાઓ 5 રૂપિયાના મીનીમમ કવરથી કવર થતી હતી. અત્યારે ડીનર રીસેપ્શન મસ્ટ થઇ ગયું છે, તેમાં જ્યારે કોમન 200 કે 500 રૂપિયાના આશીર્વાદ મળે છે તો ઘણી વખત યજમાનના મનમાં “બસ, આટલા જ ! ડીનરની ડીશ જ 1500 ની હતી’ એવા માનસિક હાવભાવ તો આવી જ જાય છે. કરિયાણાની દુકાન તો છે નહિ કે રકઝક કરાય, જે મળે તે સ્વીકારાય છે પણ તે જમાનામાં એક શુકનની શુભ રકમ તરીકે હસીને 5 રૂપિયાને માન અપાતું હતું.
કમનસીબી છે કે અત્યારે તો પાંચિયો કે 5નો સિક્કો પણ આમ જનતામાં વ્યાપાર વહેવારમાંથી લુપ્ત થઈ રહ્યો છે. તે ફક્ત મંદિરની દાનપેટીમાં, ટ્રાફિક સિગ્નલ પર બારી ઉપર ટકોરા મારતા ભિખારીને કે પેટ્રોલ પંપ ઉપર કારમાં હવા ભરતા કર્મચારીને આપવામાં જ વપરાય છે. 5 રૂપિયાની નોટ તો કોંગ્રેસ પાર્ટીની જેમ લુપ્ત થતી જાય છે. મહાભારતની જાજરમાન હિરોઈન દ્રૌપદી 5 હીરો જેવા લાગતા પાંડવો સાથે લગ્ન કરવાથી પાંચાલી નહોતી થઇ પણ તે જન્મજાત પાંચાલી હતી, તેના પિતા પદ પાંચાલ દેશના રાજા હતા. પાંચાલ દેશની દરેક વ્યક્તિ 5 ચાલ કે પાંચાલી કહેવાતા હતા. છૂટી તો 5 પાં(આં)ગળીઓ પણ ભેગી તો સખત મુક્કો.
5 શબ્દ કે 5 નો આંકડો એ આપણા જીવનમાં ખૂબ જ વણાઈ ગયો છે. રોજિંદી કાર્યશૈલી અને જીવનપદ્ધતિમાં ઓગળી ગયો છે. દેશમાં મોટા ભાગની વર્કિંગ પેટર્ન 5 દિવસની હોય છે જેને વિકાસ કહેવાય છે. શનિ- રવિની રજામાં જલસા પાર્ટી કરીને એ 5 દિવસની કમાણી વાપરવામાં આવે છે. વિદેશી કંપનીઓનો આ વર્કિંગ દિવસોનો ચેપ ભારતની ઓફિસોમાં કે બેન્કોમાં પણ લાગી ગયો છે જેને ભારતની આરામપ્રિય જનતા સ્વીકારીને વધાવી રહી છે. જો કે ભારતમાં પતિપત્ની બંને જોબ કરતા હોવાથી તેમના 5 દિવસ ઓફિસના કામમાં અને 2 દિવસ ઘરસફાઈ અને ધોબીઘાટમાં જાય છે.
5 પરમેશ્વર સર્વોપરી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર અને મા શક્તિ એમ 5 પ્રભુઓ આમ જનતા માટે શ્રદ્ધાના હોય છે. મહાભારતના 5 પાંડવો માત્ર ભાઈઓ નહોતા પણ મનુષ્યની 5 પ્રકૃતિઓ હતી. યુધિષ્ઠિર એટલે સત્ય અને ધર્મ, ભીમ એટલે બળ અને શક્તિ, અર્જુન એટલે એકાગ્રતા અને સ્કીલ, સહદેવ એટલે જ્યોતિષ અને ભવિષ્ય, નકુલ એટલે આયુર્વેદ અને જાળવણી. પંચામૃત એ પવિત્ર દેવી પ્રસાદ છે. મધ, ઘી, દૂધ, દહીં અને ખાંડ ભેગા કરીને બનાવાય છે. પંચકર્મ થેરેપી પણ આયુર્વેદ શાસ્ત્રની પ્રમુખ ચિકત્સા છે. જેમાં દરદીઓ ઉપર વૈદરાજ વડે 5 પદ્ધતિઓ કરવામાં આવે છે.
વમન એટલે ઊલટી, વિરેચન એટલે જુલાબ, નાસ્ય, નીરવતી અને અનુવાસન જેવી ક્રિયાઓ વડે દર્દીના બગડેલા પિત્ત, કફ અને વાયુનું રીપેરીંગ થાય છે, 5 નક્ષત્રો કે ગ્રહોના કોઈ તિથિમાં મેળાપને પંચક કહેવાય છે. તે દરમ્યાન કોઈ શુભ કામ થતું નથી. એવી માન્યતા છે કે પંચકમાં કુટુંબમાં કોઈનું અવસાન થાય તો એક પછી એક વડીલ 5 કુટુંબીજનોના મૃત્યુ થાય છે. શ્રાવણ મહિનામાં ઘણા ધાર્મિક પ્રકૃતિના લોકો પંચકેશ ઊતરાવતા કે કપાવતા નથી જેવા કે માથું, મૂછો, દાઢી, બગલ અને સાથળના વાળ કપાવતા નથી.
5 ધાતુ એ ઉમદા વાસ્તુ ભેટ છે, તે સોનું, ચાંદી, તાંબુ, લોહ અને ઝીંકના મિશ્રણથી બનાવાય છે. જ્યોતિષ અને પંડિતોના કહ્યા મુજબ પંચ ધાતુની વીંટી પહેરવાથી કે મૂર્તિ ઘરમાં રાખીને પૂજવાથી 5 ફાયદા થાય છે. મગજનું બેલેન્સ જળવાઈ રહે છે. સેલ્ફ કોન્ફીડન્સ વધે છે, હેલ્થ સ્વસ્થ રહે છે. નસીબ ચમકે છે. જીવનમાં સમૃદ્ધિ આવે છે. આમ જનતામાં આવો ફાયદો થાય છે કે નહિ તે ખબર નથી પણ પંચ ધાતુ બનાવનાર ફાઉન્ડ્રીઓ, વેચનાર જવેલર્સ અને તેને પ્રમોટ કરનારા ગુરુઓ, જ્યોતિષ આચાર્યો, સાધુસંતો જરૂર કમાય છે. તેમના 5 પરિબળો જેવા કે માનસિક અને શારીરિક સ્વસ્થતા, સમૃદ્ધિ, સ્વશ્રદ્ધા અને નસીબ એમ આકાશ આંબે છે. શ્રાવણ મહિનાની 5મી તિથિ પણ નાગપંચમી તરીકે પૂજાય છે અને ઉજવાય છે. કુલેરનો પ્રસાદ જાતે આરોગી નાગદેવતાને ફક્ત દૂધ પીવડાવાય છે.
5 પાંખડીઓ મળીને એક પંચપર્ણ પુષ્પ બને છે. સમતોલ આહારમાં પાણી સાથે ધાન્ય, કઠોળ, ચરબી, ફાઈબર્સ, અને મિનરલ્સ વિટામિન્સ એમ ખોરાકના મુખ્ય 5 ઘટકો હોય છે. સ્પોર્ટસમાં 5 નંબરની જર્સી વર્લ્ડ ફેમસ ઈજિપ્તનો એક્સ ફૂટબોલર ઝડન પહેરતો હતો. ભારતીય ક્રિકેટમાં અન્ડરપ્લેયડ વિકેટકીપર રીદ્ધિમાન સાહા પહેરે છે. મહિલા ક્રિકેટમાં ભારતીય ઓલરાઉન્ડર જેમીના રોડ્રિગ્સ અને વિકેટકીપર બેટ્સવુમન સુખા વર્મા પહેરે છે. બોલિવૂડમાં ટાઈટલમાં ‘5’ શબ્દથી વણાયેલી 5 ફિલ્મો પણ નથી, ‘દો ઔર દો 5’, ‘હમ 5’, ‘5 રાઈફલ્સ’, ‘5 ફૌલાદી’ એમ 4 ફિલ્મોમાં જ લીસ્ટ પૂરું થાય છે.
5 ઉપર આમ તો 25 કહેવતો છે પણ 5 કહેવતો જરા હટકે છે. ‘તીન પાંચ કરવું એ વેઢા ગણવાના નથી પણ ગામ સામે મિજાજ કરવો રોલો મારવો. ‘5-5 શેરની ઝીંકવી’ એટલે 5 શેરના ડંબેલ ઊંચકીને બાયસેપ્સ બનાવવાના નથી પણ ગાળોને પણ કોપ્લેક્સ આવે તેવા ભૂંડા અપશબ્દો બોલવા, ‘5 વરસનો ઘરધણી અને 100 વરસનો સુતાર’ એટલે વરને 5 વરસ અને ફર્નિચરને 100 વરસ એમ નહિ પણ હક્કને ઉંમર સાથે કોઈ સંબંધ હોતો નથી.
‘5 વસાનું આદમી અને 20 વસાનું વસ્ત્ર’ એટલે કોઈ નાની સાઈઝના માણસને 4 ગણી સાઈઝનું પહેરણ પહેરાવવું એમ નહિ પણ પેલાના ચારિત્ર્ય કરતાં તેનો પોશાક વધુ આકર્ષક હોવો, ‘દેડકાની 5 શેરી’ એટલે દેડકાનું 5 શેરનું વેઇટ લીફટીંગ વર્કઆઉટ નહિ પણ વિચિત્ર સમૂહને એક કરવાની અશક્ય યોજના, આમ જનતાને સીધી ટચ કરતી હોય તો તે બે ‘5 સંખ્યા વાળી’ નેશનલ ઘટનાઓ છે, એક પંચવર્ષીય યોજનાઓ અને બીજી પંચવર્ષીય સામાન્ય ચૂંટણીઓ. બંને સીધી રીતે મોદીજીની ઈલેક્શન ટેગ લાઈન ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ, સબ કા પ્રયાસ’ રૂપે દરેક ભારતીય જનતાને સ્પર્શે છે.