ઝઘડિયા : અંકલેશ્વર ઝઘડિયાના લીંભેટ ગામની એક ઘટના સામે આવી છે જ્યાં મહિલા સહિત પાંચ શખ્સોએ એક યુવકના ઘરમાં ઘૂસી મારામારી કરી હતી. આ મારામારીમાં યુવકની પત્નીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. યુવકે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
લીંભેટના (Limbhet) ધર્મેન્દ્રસિંહ ઇશ્વરસિંહ પિલુદરીયાએ લખાવેલી ફરિયાદ મુજબ ગઇ તા.9 મીએ ફળિયામાં રહેતા જયદિપસિંહ પિલુદરીયાએ ફોન કરીને એવી ધમકી ( Threat) આપી હતી કે શેરડી નોંધણીમાં ‘તમે વધુ દખલગીરી કરો છો જેથી તમને જોઇ લઇશું.’ ત્યારબાદ સાંજના સાતેક વાગ્યાના અરસામાં જયદિપસિંહ પ્રતાપસિંહ પિલુદરીયા, તેમનો નાનો ભાઇ રણજીતસિંહ પ્રતાપસિંહ પિલુદરીયા, મીનાબેન રણજીતસિંહ પિલુદરીયા, ગીતાબેન પ્રતાપસિંહ પિલુદરીયા તેમજ કિટ્ટુકુમાર જયદિપસિંહ પિલુદરીયા ઘરમાં ઘૂસીને ગાળો બોલી ધર્મેન્દ્રસિંહ તેમજ પરિવારજનોને ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટનામાં ધર્મેન્દ્રસિંહની પત્ની પનીષાબેનને માથામાં વાગતા બેભાન થઈને ઢળી પડ્યા હતા. બેભાન થયેલા પનીષાબેન અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જતા વધુ સારવાર માટે ભરૂચ ખાનગી હોસ્પિટલના બિછાને છે. જે બાબતે ધર્મેન્દ્રસિંહ પીલુદરીયાએ ઝઘડિયા પોલીસને ફરિયાદ કરતા પાંચ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડિયામાં મારામારીની બે ઘટનાઓમાં બે મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓ તેમજ અન્ય અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધાયો છે. ઝઘડિયાના ગોવાલી ખાતે રહેતા રાજેશભાઇ પુંજાભાઇ ઠાકોર ઉમલ્લા નજીક કંપનીના કર્મચારીઓને કંપનીમાં લઇ જતી લક્ઝરી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.
રવિવારે બપોરના બે વાગ્યા આસપાસના સમયે તે કંપની પરથી કર્મચારીઓને લઇને ભરૂચ જવા નીકળ્યો હતો, ત્યારે ગોવાલી ગામ નજીક એક ઇકો ગાડીના ચાલકે બસને ઓવરટેક કરીને ઉભી રખાવી દીધી હતી, અને ત્યારબાદ ઇકો ગાડીના આ અજાણ્યા ચાલક અને તેની સાથેના બે ત્રણ ઇસમોએ ‘સાઇડ કેમ આપતો નથી’ એમ કહીને ઝઘડો કરીને બસ ચાલકને માર માર્યો હતો, તેમજ ગાળો દઇને ધમકી આપીને તે લોકો જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત લક્ઝરી ચાલક રાજેશભાઇ ઠાકોરે આ અજાણ્યા ઇસમો સામે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.