SURAT

ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ સુરતના પ્રજાપતિ સમાજના વૃદ્ધાના અંગદાનથી પાંચને નવું જીવન મળ્યું

ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું હતું. સોરઠીયા પ્રજાપતિ કુંભાર સમાજના બ્રેઈનડેડ શારદાબેન જેન્તીભાઈ દેવળિયા (ઉં.વ 58)ના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન દેવળિયા પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર કોસાડમાં કિરેન પર્લમાં રહેતા 58 વર્ષીય શારદાબેન ગઈ તા. 3 સપ્ટેમ્બરના રોજ સવારે 8 કલાકે કોસાડ રેલ્વેટ્રેક પર અકસ્માતે ટ્રેનની અડફટે આવી જતા તેઓને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. સુરત રેલ્વે પોલીસે સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. શારદાબેનને બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

તા. 4 સપ્ટેમ્બરના રોજ મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જીતેન્દ્ર દર્શન, સર્જરી વિભાગના વડા ડૉ. અર્ચના નેમા, ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડ, RMO ડૉ. અરબિંદકુમાર સિંગ એ શારદાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા. ત્યાર બાદ ડોનેટ લાઈફની સમજાવટના પગલે પરિવારજનો શારદાબેનના અંગોનું દાન કરવા તૈયાર થયા હતા.

શારદાબેનના પુત્ર વિપુલભાઈ કડીયાકામ કરે છે. તેમણે કહ્યું કે અમે ગરીબ છે કોઈ દાન કરી શકીએ નહીં. મારી માતા બ્રેઈન ડેડ છે ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે દાન કરી તેમની આત્માને શાંતિ મળે તેવું કામ કરવા માંગીએ છીએ.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સ્વ. શારદાબેનની બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC માં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. ચક્ષુઓનું દાન સ્મીમેર હોસ્પિટલના આંખ વિભાગે સ્વીકાર્યું હતું. જરૂરિયાતમંદને ટ્રાન્સપ્લાન્ટ કરી આપવામાં આવશે.

Most Popular

To Top