અમદાવાદ: અમદાવાદના એસ.જી. હાઇવેની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની ખોટી રીતે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટિ કરવાના તેમજ બે વ્યક્તિના મૃત્યુની ઘટનામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલના સીઈઓ સહિત વધુ પાંચ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ સીપી શરદ સીંધલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજીત રાજીયાનની ટીમે તપાસ હાથ ધરીને ચિરાગ હીરાસિંહ રાજપુત (રહે, રિવેરા બ્લુ, મકરબા, અમદાવાદ), મિલિંદ કનુભાઈ પટેલ (રહે, શુકન હોમ ન્યુ રાણીપ), રાહુલ રાજેન્દ્રકુમાર જૈન (રહે, શિલાલેખ એપાર્ટમેન્ટ શાહીબાગ), પ્રતીક યોગેશભાઈ ભટ્ટ (રહે, મકેરીવાડ રાયપુર ખાડિયા) અને પંકિલ હસમુખભાઈ પટેલ (રહે, ધનંજય એન્કલેવ સાયન્સ સિટી, મૂળ ગોજારીયા મહેસાણા)ની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપી રાહુલ જૈન અને મિલિંદ પટેલને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે સીઈઓ ચિરાગ રાજપૂતની ખેડાથી ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અગાઉ આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાયા બાદ તેના 11 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પુરા થયા બાદ ડૉ. પ્રશાંત વજીરાણીને સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
ચિરાગ રાજપૂતનો માસિક પગાર 7 લાખ રૂપિયા, દર્દીઓને સ્ટેન્ટ મુકાવવાનું કામ મુખ્ય હતું
ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરેલા પાંચ આરોપીની પ્રાથમિક તપાસમાં આરોપી ચિરાગ રાજપૂત શરૂઆતમાં સામાન્ય મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે જુદી જુદી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતો હતો, ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલમાં એડમીન, માર્કેટિંગ, ડિરેક્ટર, બ્રાન્ડિંગ, જેવા હોદ્દા પર કામ કરતો હતો. હાલમાં બ્રાન્ડિંગ માર્કેટિંગની જવાબદારી સંભાળી માસિક રૂપિયા 7,00,000નો પગાર મેળવતો હતો. આ સમગ્ર કાંડમાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ એ આગ્રહ પૂર્વક સ્ટેન્ટ મુકાવતો હતો.
મિલિંદ પટેલે શેરબજારમાં નુકસાન બાદ એકાદ વર્ષ જેલ ભોગવી ને બાદમાં 40 હજારની નોકરીએ લાગ્યો હતો
આરોપી મિલિંદ પટેલે 2017માં ચિરાગ રાજપૂત સાથે મુલાકાત થયા પછી માર્કેટિંગ એજ્યુકેટીવ તરીકે 2020 સુધી નોકરી કરી હતી. 2020માં ચિરાગ રાજપૂતના કહેવાથી માર્કેટિંગ એક્ઝીક્યુટીવ તરીકે ત્યાં નોકરી કરી હતી. ત્યારબાદ શેર બજારમાં નુકસાન થતાં ઘર પરિવારથી અલગ થતા તેની વિરુદ્ધ નેગો એક્ટ કલમ 138 મુજબ કેસ દાખલ થયો હતો. જેમાં એકાદ વર્ષ સુધીની જેલ પણ તેણે ભોગવી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તે ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એજ્યુકેટીવ તરીકે જોડાયો હતો અને 40,000નો પગાર મેળવતો હતો.
દર્દીને સ્ટેન્ટ નહીં મુકાવે તો નુક્સાન વિષે ડરાવવાનું કામ પંકિલ અને પ્રતીક ભટ્ટ કરતા હતા
જ્યારે પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટ બંને ચિરાગ રાજપૂત તથા મિલિંદ પટેલની સુચના મુજબ કેમ્પ કરવા દર્દીને લાવવા, દર્દીને સ્ટેન્ટ મૂકવા માટે, તેઓને સ્ટેન્ટ નહીં મૂકવાથી થનારા નુકસાનથી ડરાવવા, વગેરેની કાર્યવાહી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ પાંચે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.