મહુવાના કુમકોતર ખાતે જોરાવરપીર ખાતે દર્શનાર્થે આવેલા સુરતના લિંબાયત વિસ્તારના મુસ્લિમ પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં ન્હાવા જતાં ડૂબી ગયા હતા, જેમાંથી બે વ્યક્તિની લાશ મળી હતી. અન્ય વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના કુમકોતર ખાતે મુસ્લિમ બિરદારોનું ધાર્મિક આસ્થાના પ્રતિક સમા જોરાવીર પીર સ્થાનક આવેલું છે. જ્યાં હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો દર્શનાર્થે આવે છે. જોરાવર પીર ખાતે અંબિકા નદીમાં ન્હાવા જતા ડૂબી જવાના બનાવો વારંવાર બનતા જ રહે છે, આવો જ વધુ એક બનાવ ૩૧મીના મંગળવારના રોજ બન્યો હતો. સુરતના લિંબાયત વિસ્તારના નુરાની નગર મીઠી ખાડી ખાતે રહેતો મુસ્લિમ પરિવાર ઘરેથી ૧૦ વાગ્યે રિક્ષા લઈને જોરાવરપીર ખાતે આવ્યો હતો.
બપોરે ૧-૪૫ કલાકે એક જ પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં નહાતી વખતે ડૂબી ગયા હતા. પાંચ પૈકી રૂક્સાનાબી સલીમશા ફકીર (ઉ.વ.૫૫)ની તેમજ પરવીનબી જાવીદશા ફકીર (ઉ.વ.૩૦)ની લાશ મળી હતી, જ્યારે રૂક્સારબી જાકુરશા સલીમશા ફકીર (ઉ.વ.૨7), સલીમાબી આરીફશા ફકીર (ઉ.વ.૧૮), આરીફશા સલિમશા ફકીર (ઉ.22)ની શોધખોળ ચાલુ છે. આ બનાવની જાણ થતાં જ મહુવા પોલીસ અને વહીવટીતંત્રનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે ઘસી ગયો હતો. મૃતકની લાશનું પીએમ અનાવલ રેફરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.
માતા-પુત્ર તેમજ બે પુત્રવધુ નહાવા પડ્યા હતા
સુરતથી જોરાવરપીર ખાતે દર્શનાર્થે આવેલા મુસ્લિમ પરિવારના માતા, તેનો પુત્ર તેમજ તેની બે પુત્રવધુ સહિત અન્ય એક આ અંબિકા નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવ અંગે અન્ય પુત્ર જાવીદશા સલીમશા ફકીરે પોલીસને જાણ કરી છે.
જોરાવરપીર ખાતે અંબિકા નદીમાં અનેકના ભોગ છતાં સુરક્ષાને નામે મીંડું
જોરાવરપીર ખાતે સુરત-નવસારી સહિતના દુરદુરથી લોકો દર્શનાર્થે આવે છે જેઓ નદીના ઊંડાણથી વાકેફ હોતા નથી અને ઊંડા પાણીમાં ન્હાવા જતાં જીવ ગુમાવે છે. ૧-૧૧-૨૦૧૯ના રોજ પણ બે યુવાનો ન્હાવા જતા મોત નીપજ્યું હતું. આવા બનાવો અવારનવાર બનતા જ રહે છે પરંતુ વહીવટીતંત્ર દ્વારા અહીં સુરક્ષા બાબતે કોઈ પગલા ભરાયા નથી.
મહુવા તાલુકામાં ફાયરબ્રિગેડની સુવિધાનો અભાવ
મહુવા તાલુકો વિકાસની કેડીએ ભલે આગળ હોવાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ મહુવા તાલુકામાં ફાયરબ્રિગેડની સુવિધા જ નથી. તાલુકામાં આકસ્મિક ઘટના સર્જાય તો બારડોલી કે અન્ય તાલુકામાં લાશ્કરોને બોલાવવા પડે છે. આ ઘટનામાં પણ બારડોલીની ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી.