એક ઘરમાં પાંચ દીવા પ્રકાશિત હતા; એક દિવસ પહેલાં દીવાએ કહ્યું, “આટલો પ્રકાશીને પણ મારી રોશનીની લોકોને કોઈ કદર નથી. તેટલે લાવ પ્રકાશવા કરતા હું બુઝાઈ જાઉ.” અને આટલું બોલી તે દીવો બુઝાઈ ગયો. ખબર છે તે દીવો કોણ હતો? તે દીવો આપણા ઉત્સાહનું પ્રતિક હતો. હવે બીજો દીવો જે શાંતિનું પ્રતિક હતો; તે બોલ્યો, “મારે પણ સદા માટે બુઝાઈ જવું જોઈએ. નિરંતર શાંતિનો પ્રકાશ ફેલાવવા છતાં લોકો હિંસા કરી રહ્યા છે તેથી મારું શું કામ છે.” આટલું બોલી શાંતિનો દીવો બુઝાઈ ગયો. ઉત્સાહ અને શાંતિનો દીવો બુઝાયા બાદ; જે ત્રીજો દીવો હતો હિમંતનો દીવો, તે પોતે હિમંત હારી ગયો અને બુઝાઈ ગયો.
ઉત્સાહ, શાંતિ, હિમંતના દીવા બુઝાતા ચોથા દીવે પણ બુઝાઈ જવાનું નક્કી કર્યું. તે ચોથો દીવો સમૃદ્ધિનો પ્રતિક હતો. તે પણ બુઝાઈ ગયો. હવે આ ચાર દીવા બુઝાઈ ગયા બાદ એક જ દીવો પોતાની જ્યોત ટમટમાવતો પ્રગતી રહ્યો હતો. પાંચે ય દીવામાં અત્યારે જે છેલ્લો પ્રકાશિત દીવો હતો તે સૌથી નાનો હતો પણ તે બુઝાયા વિના નાસીપાસ થયા વિના નિરંતર પ્રકાશિત હતો. બરાબર તે સમયે એક છોકરો ઘરમાં આવ્યો. તેણે જોયું ચાર દીવા બુઝાઈ ગયા છે પણ એક દીવો પ્રકાશિત છે. તે ચાર દીવા બુઝાઈ ગયા છે તે જોઈ દુઃખી ન થયો પણ એક દીવો પ્રકાશિત છે તે જોઈ રાજી થયો.
તેણે વિચાર્યું ભલે ચાર દીવા બુઝાઈ ગયા પણ કમ સે કમ એક દીવો તો પ્રકાશિત છે અને તેણે તરત જ તે પ્રકાશિત નાનકડા દીવાની મદદથી પેલા ચારે ચાર દીવા ફરી પ્રગટાવી દીધા. જાણો છો આ નાનકડો નિરંતર પ્રકાશિત પાંચમો દીવો કોણ હતો? પાંચમો દીવો હતો આશાનો દીવો. આશાનો દીવો પ્રકાશિત હતો તો ફરી બધા દીવા પ્રકાશિત કરી શકાયા. માટે તમારા દિલમાં, તમારા ઘરમાં આ આશાનો દીવો હંમેશા પ્રકાશિત રાખો. ભલે બધા દીવા બુઝાઈ જાય પણ આશાનો દીવો ક્યારેય ન બુઝાઈ તેનું ધ્યાન રાખજો. આ એક એવો દીવો છે જે બીજા બધા દીવાને પ્રકાશિત કરવા સક્ષમ છે. આશાના દીવાથી સુખ, શાંતિ, સમૃદ્ધી, ઉત્સાહ, હિમંત વગેરે બધા દીવા પ્રકાશિત કરી શકાય છે. આપણા આજમાં જે આશા ઉગે છે, તે આશા આપણા આવતી કાલના ભવિષ્યનું નિર્માણ કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
