આવતી કાલે મંગળવારે એક દેશ એક ચૂંટણીનું બિલ સંસદમાં મૂકાવા જઇ રહ્યું છે. આ બિલનો વિપક્ષ વિરોધ કરશે અને સત્તા પક્ષ બહુમતિ સાથે તેને પસાર કરી દેશે તે સનાતન સત્ય છે. પરંતુ આ બિલ પસાર થઇ ગયા પછી પણ તેને અમલી બનાવવા માટે અનેક પડકારો છે. જ્યારે ચૂંટણી પંચ પાસે કેન્દ્ર સરકારે અભિપ્રાય માંગ્યો હતો ત્યારે “ચૂંટણીપંચે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે બંને ચૂંટણી ભેગી કરાવવાનું કામ શક્ય છે. આના માટે સરકારે ચાર કામ કરવાં પડશે. આવું કરવા માટે સૌપ્રથમ બંધારણના પાંચ અનુચ્છેદોમાં સંશોધન કરવાં પડશે. તેમાં વિધાનસભાના કાર્યકાળ અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોગવાઈ બદલવી પડશે.”
આ સિવાય ચૂંટણીપંચે જણાવ્યું હતું કે જન પ્રતિનિધિત્વ કાયદો અને ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા અંગેના નિયમો બદલવા પડશે. આના માટે ‘અવિશ્વાસ પ્રસ્તાવ’ના સ્થાને ‘રચનાત્મક વિશ્વાસ પ્રસ્તાવ’ની વ્યવસ્થા કરવી પડશે. એટલે કે અવિશ્વાસ પ્રસ્તાવ સાથે જ એવું પણ જણાવવાનું રહેશે કે કઈ સરકારને હઠાવીને કઈ નવી સરકાર બનાવાય, જેમાં ગૃહને વિશ્વાસ હોય, જેથી જૂની સરકારના પતન બાદ પણ નવી સરકાર સાથે વિધાનસભા કે લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષ સુધી ચાલી શકે.ચૂંટણીપંચ તરફથી આ પ્રખારે ચૂંટણી કરાવવા કુલ 35 લાખ ઇવીએમની જરૂરિયાત હોવાનું કહેવાયું હતું અને એ માટે નવાં ઇવીએમની ખરીદી કરવાનું જરૂરી છે.
ભારતમાં ઉપયોગમાં લેવાતાં એક ઇવીએમ અને વીવીપીએટીની કિંમત લગભગ 17 હજાર છે. આવી સ્થિતિમાં ‘એક દેશ એક ચૂંટણી માટે’ લગભગ 15 લાખ નવાં ઇવીએમ અને વીવીપીએટીની જરૂરિયાત હશે.ઓપી રાવત પ્રમાણે જો ચૂંટણીપંચને આજના હિસાબે લગભગ 12 લાખ વધારાનાં ઇવીએમ અને વીવીપીએટીની જરૂરિયાત હોય તો તેને બનાવડાવામાં એક વર્ષ કરતાં વધુનો સમય લાગી શકે છે. જો લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકસાથે કરાવાય તો આવું કરવા માટે હાલ કરતાં ત્રણ ગણી સંખ્યામાં ઇવીએમની જરૂરિયાત પડશે.
ભારતમાં વર્ષ 1967 સુધી લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી. વર્ષ 1947માં સ્વતંત્રતા બાદ ભારતમાં નવા બંધારણ અંતર્ગત દેશમાં લોકસભાની પ્રથમ ચૂંટણી વર્ષ 1952માં યોજાઈ હતી એ સમયે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પણ લોકસભાની ચૂંટણી સાથે જ કરાઈ હતી, કારણ કે આઝાદી બાદ વિધાનસભાની ચૂંટણી પણ પ્રથમ વખત થઈ રહી હતી. તે બાદ વર્ષ 1957, 1962 અને 1967માં પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે જ થઈ. આ ક્રમ પ્રથમ વખત એ સમયે તૂટ્યો જ્યારે કેરળમાં વર્ષ 1957ની ચૂંટણીમાં ઈએમએસ નંબૂદરીપાદની વામપંથી સરકાર બની.
આ સરકારને તત્કાલીન કેન્દ્ર સરકારે અનુચ્છેદ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાદીને હઠાવી દીધી હતી. કેરળમાં ફરી વાર વર્ષ 1960માં વિધાનસભાની ચૂંટણી કરાઈ હતી. તો બીજી તરફ એક તર્ક એવો પણ છે કે, એક દેશ એક ચૂંટણીનો વિચાર બિલકુલ વ્યવહારિક નથી. તેના માટે દેશની તમામ વિધાનસભા એકસાથે ભંગ થાય એ જરૂરી બની જાય છે, જે શક્ય નથી. “રાજ્યની વિધાનસભા સમય પહેલાં ભંગ કરવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે હોય છે, કેન્દ્ર પાસે નહીં. કેન્દ્ર આવું ત્યારે જ કરી શકે, જ્યારે અમુક કારણોસર અમુક રાજ્યમાં અશાંતિ હોય કે એવી સ્થિત હોય જેના કારણે રાજ્યની વિધાનસભાને કેન્દ્ર ભંગ કરી શકે અને આવું તમામ રાજ્યોમાં એકસાથે ન થઈ શકે.”
તેમનું કહેવું છે કે કોઈ પણ રાજ્યની વિધાનસભાને કાર્યકાળ પૂરો કર્યા વગર ભંગ કરવાથી એક બંધારણીય સંકટ ઊભું થઈ જશે. જે સંઘીય માળખાની વિરુદ્ધ હશે. આવું કરવું એ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ હશે, જેને છંછેડવાનો અધિકાર સંસદ પાસે નથી. ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતા લાગુ થતાં જ સરકાર કોઈ પણ નવી યોજના લાગુ નથી કરી શકતી. આચારસંહિતા દરમિયાન નવા પ્રોજેક્ટની શરૂઆત, નવી નોકરી કે નવી નીતિઓની જાહેરાત પણ નથી કરાતી અને આનાથી કામ પર અસર પડે છે. એવો પણ તર્ક અપાય છે કે એક ચૂંટણી થવાથી ચૂંટણી પાછળ થનાર ખર્ચમાં પણ ઘટાડો થશે. આવું કરવાથી સરકારી કર્મીઓને વારંવાર લાગતી ચૂંટણી ડ્યૂટીથી પણ છુટકારો મળશે.