મુંબઇ : ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ફાસ્ટ બોલર (Fast bowler) જસપ્રીત બુમરાહ હાલમાં પોતાની ફિટનેસ (fitness) સંબંધિત સમસ્યાઓ માટે સંઘર્ષ કરી રહ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ તે ઈજાના કારણે ક્રિકેટના (Cricket) મેદાનથી દૂર હતો. બુમરાહ પોતાનાી પીઠની ઇજાની સમસ્યા માટે ન્યૂઝીલેન્ડમાં સર્જરી કરાવવા જવાનો હોવાની માહિતી સામે આવી છે. ન્યૂઝીલેન્ડના જે સર્જને ઇંગ્લીશ ઝડપી બોલર જોફ્રા આર્ચરની સર્જરી કરી હતી તેની પાસે જ બુમરાહની સર્જરી કરાવવામાં આવશે.
- ન્યુઝીલેન્ડમાં જે ડોક્ટરે જોફ્રા આર્ચરની સર્જરી કરી હતી તેની પાસે જ જસપ્રીત બુમરાહ સર્જરી કરાવશે
- બીસીસીઆઇની મેડિકલ ટીમે બુમરાહની સર્જરી માટે કીવી સર્જન રોવાન શાઉટેનને શોર્ટલિસ્ટ કર્યા
અહેવાલો અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે સર્જરી પછી તે આગામી છ મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે. જો આવું થાય છે, તો એવી સંભાવના છે કે ભારતમાં યોજાનાર વન ડે વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયામાં સામેલ થવા માટે તેની સંભાવના ઘણી ઓછી છે. ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં વન ડે વર્લ્ડકપ રમાશે. બુમરાહે છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે 25 સપ્ટેમ્બર 2022ના રોજ ભારત વતી જે ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી.
બીસીસીઆઇની મેડિકલ ટીમ અને નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના સંચાલકોએ બુમરાહની પીઠની સમસ્યાની સારવાર માટે કિવી સર્જન રોવાન શાઉટેનને શોર્ટલિસ્ટ કર્યા છે. આ સર્જને ઇંગ્લિશ ઝડપી બોલર જોફ્રા આર્ચર સાથે કામ કર્યું છે અને હવે બુમરાહ ટૂંક સમયમાં ઓકલેન્ડ જવા રવાના થાય તેવી અપેક્ષા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો બુમરાહ સર્જરી કરાવે છે તો તેને સાજા થવામાં 20 થી 24 અઠવાડિયા એટલે કે લગભગ સાડા પાંચ મહિનાનો સમય લાગી શકે છે. આ પછી, જો તેની ફિટનેસ યોગ્ય રહે છે અને તે બોલિંગ કરવામાં સક્ષમ છે, તો તે મેદાન પર પરત ફરી શકે છે.