વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી યુનિયન દ્વારા યુનિવર્સિટી પરિસરમાં ફિટ ઇન્ડિયા ને ચરિતાર્થ કરતી હેરિટેજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિશ્વ પ્રવાસન દિવસના એક દિવસ પહેલા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વહેલી સવારે સાયકલ રેલી યોજવામાં આવી હતી.વર્તમાન બોનાફાઇડ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ , એમ. એસ. યુનિવર્સિટીના પ્રોફેસરો સહિત શહેરીજનો જોડાયા હતા. યુનિ. યુનિયન પેવેલિયનથી શરૂ થઇને ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ખાતે પૂર્ણ થઈ હતી. એમ.એસ.યુનિવર્સીટી માં આવેલા મહત્વના સ્થાપત્યો વિષે ઐતિહાસિક જાણકારી તેમજ મહત્વ સમજાવતી હેરિટેજ સાયકલ રેલીને યુનિ.પેવેલીયનથી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘ, યુનિ.ના રજિસ્ટ્રાર ડો.કે.એમ ચુડાસમા, જિલ્લા રમતગમત અધિકારી ડો.રીના ભાટિયા સહિત ડો.સંસ્કૃતિ મૂજૂમદાર ઉપસ્થિત રહ્યા હતાં. જયારે રેલીનું સમાપન ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ જે પૂર્વે કલાભવનના નામે ઓળખાતું હતું ત્યાં થયું હતું.સમાપન સમારોહમાં ભારતની એક માત્ર મહિલા ફોર્મ્યુલા રેસર મીરા એરડા ઉપસ્થિત રહી હતી. અને રેલીમાં ભાગ લેનાર સભ્યોને અભિનંદન આપ્યા હતાં.આ હેરિટેજ રેલી નો મુખ્ય હેતુ યુનિ.ના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને યુનિ.ના ઐતિહાસિક સ્મારકોની અવગત કરાવવાનો છે.