ગાંધીનગર: રાજયના બંદર વિભાગની 75.58 કરોડની અંદાજપત્રીય જોગવાઈ આજે વિધાનસભામાં પસાર કરાઈ હતી. બંદર વિભાગની અંદાજપત્રીય જોગવાઈ પરની ચર્ચાનો જવાબ આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહયું હતું કે , રાજ્ય સરકાર દ્વારા વેરાવળ, માઢવાડ અને સુત્રાપાડા ખાતે મત્સ્ય બંદરો વિકસાવવાનું તેમજ પોરબંદર અને ઓખા ખાતે કોસ્ટગાર્ડ જેટ્ટીઓ બનાવવાનું આયોજન છે. આગામી વર્ષોમાં જાફરાબાદ અને છારા ખાતે એલ.એન.જી ટર્મિનલની કામગીરી પૂર્ણતાના આરે છે, તેમજ ભાવનગર બંદર ખાતે બ્રાઉનફિલ્ડ પોર્ટની યોજના અમલીકરણ હેઠળ છે. દહેજ ખાતે ગુજરાત કેમિકલ પોર્ટ લી. દ્વારા બીજી જેટ્ટીના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમજ એચ.પી.સી.એલ. દ્વારા એલ.પી.જી. જેટ્ટી અને પેટ્રોનેટ એલ.એન.જી. દ્વારા ત્રીજી જેટ્ટીના વિકાસની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર ખાતે સાગરમાલા યોજના અંતર્ગત કોસ્ટલ કાર્ગો માટે રૂ. ૩૫ કરોડના ખર્ચે નવી જેટ્ટી બનાવવાનું સરકારનું આયોજન છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડના બંદરો પોરબંદર, ઓખા, જુના મુન્દ્રા અને નવલખી ખાતે અંદાજિત રૂ. ૨૯ કરોડના ખર્ચે મેઈન્ટેનન્સ ડ્રેજીંગ માટે સરકારે આગામી બજેટમાં આયોજન કર્યું છે.
તેમણે કહ્યું હતું કે, ભારતમાં ઉપલબ્ધ દરિયાકિનારાના આશરે ૨૮ ટકા જેટલો દરિયાકાંઠો ગુજરાતને મળ્યો છે. દેશના બંદર ક્ષેત્રે વિકાસમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨માં દેશના કુલ રાષ્ટ્રીય પરિવહનના ૩૦.૭ ટકા તથા નોન-મેજર બંદરો પરના કુલ પરિવહનના આશરે ૬૮ ટકા પરિવહન જીએમબી હસ્તકના બંદરો ખાતે થયો છે. વર્ષ ૨૦૨૨-૨૩માં વર્ષાંત સુધીમાં ૪૧૮ મીલીયન મેટ્રીક ટન (MMT) કાર્ગો પરિવહન થવાનો અંદાજ છે. વધુમાં, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જીએમબી બંદરો પર ૫ ટકાના વૃદ્ધિદરે એટલે કે ૪૪૧ MMT કાર્ગો પરિવહનનો અંદાજ છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગુજરાતના તમામ બંદરોથી સરકારને અને ગુજરાત મેરીટાઈમ બોર્ડને રૂ.૨૧૬૨ કરોડની આવક થઈ હતી, જ્યારે ચાલુ વર્ષે ફેબ્રુઆરી – ૨૦૨૩ સુધીમાં રૂ. ૨૧૬૫ કરોડની આવક પ્રાપ્ત થઈ છે. રાજય સરકારે જુલાઈ-૨૦૧૯થી ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી કાર્યાન્વિત કરાઈ છે. જેમાં મેરીટાઈમ ક્ષેત્રોને લગતા વ્યવસાયિક તેમજ કાયદાકીય અભ્યાસક્રમોનો સમાવેશ કરી વાણિજ્યિક અને કાયદાકીય ક્ષેત્રે માનવ સંશાધન પુરૂં પાડવા માટે આયોજન હાથ ધર્યું છે.