Madhya Gujarat

ટુંડેલમાં કૃત્રિમ તળાવમાંથી 1.70 લાખની માછલી ચોરાઈ

નડિયાદ: વસો તાલુકાના ટુંડેલ ગામની સીમમાં ફિશફાર્મિંગ માટે બનાવવામાં આવેલાં કૃત્રિમ તળાવમાંથી રૂ.૧,૭૦,૦૦૦ કિંમતની માછલીઓની ચોરી કરી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.  અમદાવાદમાં પરિમલ અન્ડરપાસ પાસે આવેલ સુકૃત-૨ સોસાયટીમાં રહેતાં કૌશલ રાજેશભાઈ પાડલીયાએ વસો તાલુકાના ટુંડેલ ગામની સીમમાં આવેલ સર્વે નં ૫૩૨-૩, ખાતા નં ૪૫૫ વાળી જમીન પસંદ પડતાં, તે ખરીદી લીધી હતી. જે બાદ કૌશલે તે જમીનમાં ઉંડો ખાડો ખોદી નાનું તળાવ બનાવડાવ્યું હતું. તેમજ કલકત્તાંથી રૂ.૧,૭૦,૦૦૦ કિંમતનું ૪૫,૦૦૦ નંગ રૂપચંદા જાતની માછલીઓનું બિયારણ મંગાવી, તળાવમાં ફિશ ફાર્મિંગ શરૂ કર્યુ હતું. કૌશલ અમદાવાદ ખાતે રહેતો હોવાથી દરરોજ ટુંડેલ આવી શકતો ન હતો. જેથી તેણે તળાવની દેખરેખ માટે રૂ.૧૦,૦૦૦ ના પગાર પર એક દંપતિને રાખ્યું હતું.

 સમયાંતરે આણંદથી ડોક્ટર બોલાવી માછલીઓની તપાસ કરાવવામાં આવતી હતી. ગત તા.૧૫-૭-૨૨ ના રોજ કૌશલ અને તેની માતા કુસુમબેન ટુંડેલ ખાતે આવી માછલીઓની મેડિકલ તપાસ કરાવી, પરત જતાં રહ્યાં હતાં. જેના એક મહિના બાદ તા.૨૧-૮-૨૨ ના રોજ કૌશલ અને તેની માતા કુસુમબેન માછલીઓને ફિડીંગ કરાવવા માટે ટુંડેલ આવ્યાં હતાં. તે વખતે માછલીઓને બહાર કાઢવા માટે કૌશલે તળાવમાં જાળ નાંખી હતી.  જોકે, જાળમાં એકપણ માછલી આવી ન હતી. જે બાદ બે થી ત્રણ વખત જાળ નાંખવા છતાં તેમાં પણ એકપણ માછલી આવી ન હતી. જેથી કોઈ અજાણ્યાં શખ્સો તળાવના પાણીમાંથી રૂ.૧,૭૦,૦૦૦ કિંમતની માછલીઓ કાઢી, ચોરી ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે કૌશલના પિતા રાજેશભાઈ ચંદ્રવદન પાડલીયાની ફરીયાદને આધારે વસો પોલીસે અજાણ્યાં તસ્કરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top