Charchapatra

પહેલગામ એટેક! 26 નિર્દોષોનાં મોત

આખો દેશ સ્તબ્ધ! પછી સેનાનું સફળ ઓપરેશન અને પાકિસ્તાન પરાસ્ત! આ બધું જ એક જ ઝટકામાં પાક સામે મેચ રમીને નામશેષ કરી નાખ્યું! આટઆટલું થવા છતાં પાકિસ્તાન સાથે મેચ રમાય જ કેમ? નેતાઓએ આઈ.સી.સી.ના નિયમો આગળ ધરીને રમવાનું નકારી ન શકાય એમ કહ્યું તો ભૂતકાળમાં અનેક વખત આ રીતે વિરોધ વ્યક્ત કરીને રમવાનું ટાળવામાં આવ્યું છે, જેમ કે, 1986માં ભારતે શ્રીલંકા સામે એશિયા કપનો બહિષ્કાર કરેલો, 1993ના એશિયા કપ ભારત-પાકિસ્તાન તણાવ કારણે રદ કરાયેલો.

2008માં પાકિસ્તાનમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં અનેક દેશોએ સલામતી કારણોસર રમવાનો ઇન્કાર કરેલો, તો પછી 26 વ્યક્તિઓની શહાદત પછી પણ આપણે પાક સાથે રમ્યા? શર્મનાક! મેચ પત્યા પછી એક સ્પોટર્સ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ જણાવ્યું ભારતીય ટીમે પાકિસ્તાન સામે ધરાર રમવાની ના પાડી હતી પણ BCCI એ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની સંમતિ આપી દીધી હોવાથી રમવું પડ્યું! દુ:ખદ! શું ઓપરેશન સિંદૂર જે ‘ગરમ’ હતું તે અચાનક જ ‘ઠંડુ’ થઇ ગયું?! જે હોય તે. પાકિસ્તાન સાથે રમાડીને BCCIએ દેશની જનતાના હૃદયને ઠેસ પહોંચાડી છે એ મીનમેખ છે.
સુરત     – ભાર્ગવ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top