સુરત: ચકરડાવાળાથી ડિજીટલ અને હવે સ્માર્ટ પ્રીપેઈડ મીટર તરફ દક્ષિણ ગુજરાત વીજકંપની આગળ વધી રહી છે. આગામી સોમવાર તા. 8 એપ્રિલના રોજ વીજકંપનીના પીપલોદ ડિવીઝન દ્વારા રહેણાંક એપાર્ટમેન્ટ સુમન શેલમાં 800 મીટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. કંપની આગામી 18 મહિનામાં અંદાજે 17 લાખ પ્રીપેઈડ મીટર સુરત સર્કલમાં ફીટ કરશે. આ મીટર લાગ્યા બાદ ગ્રાહકો બિલની ઝંઝટમાંથી મુક્ત થશે અને રકમ જમા કરી જરૂર જેટલો વીજ વપરાશ કરી શકશે.
- પીપલોદના સુમન શેલ એપાર્ટમેન્ટના 800 ફ્લેટમાં સ્માર્ટ પ્રીપેઈડ વીજ મીટર લગાડવાની કામગીરી 7મી એપ્રિલથી શરૂ થશે
- પહેલાં તબક્કાના 18 મહિનામાં 7 ડિવિઝનના 17 લાખ વીજગ્રાહકોના વીજમીટર બદલી સ્માર્ટ પ્રીપેઈડ મીટર ફીટ કરાશે
- વીજકંપનીનો સ્ટાફ ઘરે ઘરે જઈ પ્રીપેઈડ મીટર ફીટ કરશે, મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી રિચાર્જની પ્રક્રિયા સમજાવશે
- ગ્રાહકો એપ્લીકેશનમાં દર 30 મીનિટનો વીજવપરાશ ચેક કરી શકશે, વીજવપરાશ પર નિયંત્રણ કરી શકશે
- દેશ-વિદેશ ગ્રાહક જ્યાં હોય ત્યાંથી રિચાર્જ કરી શકશે, મીનિમમ રિચાર્જ 100 રૂપિયાનું કરવાનું રહેશે
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ સુરત સિટી, સુરત રૂરલમાં સ્માર્ટ મીટરની સ્માર્ટ શરૂઆતનો અભિયાન શરૂ કરી દેવાયું છે. વીજકંપનીની ટાઉનશિપમાં સફળ પ્રયોગ બાદ હવે પ્રથમ તબક્કામાં 7 ડિવિઝનમાં 18 મહિનામાં 17 લાખ મીટર લગાડવાનું કામ હાથ ધર્યું છે. રોજના 3 હજાર લેખે મહિને 90 હજારથી 1 લાખ મીટર ફીટ કરાશે.
સોમવારે તા. 8 એપ્રિલે પીપલોદના સુમન શેલના 800 ફ્લેટ માટે સ્માર્ટ મીટર ફીટ કરવાની કામગીરી શરૂ કરાશે. પહેલાં તબક્કામાં સુરત અર્બનના 2.41 લાખ, પીપલોદના 1.83 લાખ, રાંદેરના 3.40 લાખ, સુરત ઈન્ડસ્ટ્રીયલના 89 હજાર, સુરત રૂરલના 3.11 લાખ, વ્યારાના 1.61 લાખ અને કામરેજના 1.81 લાખ મીટર બદલવામાં આવશે. વીજકંપની તબક્કાવાર ગ્રાહકોનો સંપર્ક કરી મીટરો બદલશે.
વીજકંપનીના અધિકારીઓ કેદારીયા અને સુરતીએ કહ્યું કે, આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ વીજકંપની અંદાજે 2600 કરોડનો ખર્ચ કરી રહી છે. આ સંક્રમણની પ્રક્રિયામાં વીજકંપની ગ્રાહકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખશે. મીટર બદલાયા બાદ વીજ ખર્ચ વધશે તેવી ભ્રમણામાં રહેવાની જરૂર નથી. પ્રયોગ દરમિયાન એ વાત પુરવાર થઈ છે કે વીજ વપરાશ પહેલાં જેટલો જ રહેશે.
ગ્રાહક દર 30 મિનીટનો વપરાશ ચેક કરી શકાશે
સ્માર્ટ પ્રીપેઈડ મીટર લાગ્યા બાદ બિલિંગની ઝંઝટ દૂર થશે. ગ્રાહકોએ ડીજીવીસીએલની એપ્લીકેશન મોબાઈલમાં ડાઉન કરવાની રહેશે. આ એપ્લીકેશનમાં દર 30 મિનીટનો વપરાશ ગ્રાહક ચેક કરી શકશે. એપ્લીકેશનથી ગ્રાહક રિચાર્જ કરી શકશે. વિદેશમાં હોય તો પણ રિચાર્જ કરી શકશે. એનઆરઆઈને ખૂબ મોટો ફાયદો થશે. લઘુત્તમ 100 રૂપિયા રિચાર્જ કરવાના રહેશે. ફિક્સ્ડ ચાર્જ લઘુત્તમ લાગશે. વપરાશ એટલી ચૂકવણીનો લાભ ગ્રાહકને મળશે.
રજાઓના દિવસમાં વીજકાપ નહીં
આ પ્રોજેક્ટના હેડ કેદારીયાએ કહ્યું કે, પ્રારંભિક તબક્કામાં ગ્રાહકોની સગવડનું ધ્યાન રાખવામાં આવશે. બીજા અને ચોથા શનિ-રવિ તથા જાહેર રજાના દિવસોમાં બેલેન્સ ન હોય તો પણ વીજ પુરવઠો કાપવામાં આવશે નહીં. તે ઉપરાંત બેલેન્સ નહીં હોવાના સંજોગોમાં પણ 5 દિવસ સુધી વીજપુરવઠો ચાલુ રહેશે.
વીજકંપનીએ મોનિટરીંગ કંટ્રોલ રૂમ બનાવ્યો
સ્માર્ટ પ્રીપેઈડ મીટર શરૂ થયા બાદ વીજકંપનીના સ્ટાફ અને ગ્રાહક વચ્ચેનો સંપર્ક નહીવત થશે. વીજકંપનીએ કંટ્રોલ રૂમ બનાવ્યો છે. આ કંટ્રોલરૂમથી તમામ ગ્રીવેન્સ દૂર કરાશે. વીજકાપના સંજોગોમાં ગ્રાહક એપ્લીકેશન પર ફરિયાદ કરશે તો 15 મિનીટમાં નિકાલ થશે. રિચાર્જ ન કર્યું હોય તેવા સંજોગોમાં પણ વીજકાપ થાય અને ત્યાર બાદ પૈસા ભરતા જ 15 મિનીટમાં વીજપુરવઠો પૂર્વવત્ત થશે. આ સાથે ફોલ્ટના સંજોગોમાં મોનિટરીંગ રૂમમાં એક ક્લીક પર ખબર પડશે કે ચોક્કસ વિસ્તારમાં એકસાથે મોટી સંખ્યામાં વીજમીટરનો સપ્લાય બંધ થયો છે, તેથી ફરિયાદ પહેલાં જ વીજપુરવઠો પુર્વવત્ત કરવાની કામગીરી શરૂ કરી શકાશે.