ગઈકાલે મંગળવારે તા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના મિની સ્વીત્ઝરલેન્ડ ગણાતા પહેલગામના બગીચામાં આતંકી હુમલો થયો હતો. આ કમભાગી ઘટનામાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ટીઆરએફએ લીધી છે. હવે આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડની તસવીર સામે આવી છે.
પહેલગામની બૈસરન ખીણમાં મંગળવારે બપોરે 2.45 વાગ્યે થયેલા આ હુમલામાં 27 લોકોના મોત થયા હતા જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. લશ્કર-એ-તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગોળીબાર બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા.
ઈન્ટેલિજન્સના સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલામાં બે વિદેશી આતંકવાદીઓ અને બે સ્થાનિક આતંકવાદીઓ સામેલ હતા. પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ છે. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)થી આતંકી સંગઠનને ઓપરેટ કરે છે. તે હાલમાં રાવલકોટમાં હોવાનું કહેવાય છે. સૈફુલ્લાહએ એક મહિના પહેલા હુમલાની ચેતવણી આપી હતી. આનો 2019નો એક વીડિયો પણ વાઇરલ થયો હતો. આ વીડિયોમાં સૈફુલ્લાહએ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાને ઠંડો પડવા દેવો જોઈએ નહીં.

અમિત શાહ પહેલગામ પહોંચ્યા, મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં પહેલગામ હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી. આ પછી તેઓ હેલિકોપ્ટર દ્વારા બેસરન ઘાટી પહોંચ્યા. અહીં તેમણે અધિકારીઓ સાથે વાત કરી.
NIAએ પહેલગામ હુમલાની તપાસ શરૂ કરી
હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પણ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. બુધવારે, અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇન્સ્પેક્ટર જનરલના નેતૃત્વમાં NIAની એક ટીમ પહેલગામ મોકલવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ સ્થાનિક પોલીસને તપાસમાં મદદ કરશે.
