નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે દેશ (India) માં પહેલી નેઝલ વેક્સીન (Nasal vaccine)ને મંજુરી આપવામાં આવી છે. જેથી હવે લોકોને ઇન્જેક્શન લેવાની જરૂર નહિ પડે. આ બાબતે મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું કે નિષ્ણાત સમિતિએ નાકની રસીને પણ મંજૂરી આપી દીધી છે, એટલે કે આવનારા દિવસોમાં કોઈ વ્યક્તિને ઈન્જેક્શનની જરૂર નહીં પડે અને માત્ર નાકમાં એક ટીપું નાખો તો ફાયદો થશે.
ખાનગી હોસ્પિટલમાં મળશે રસી
વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભારત સરકાર એલર્ટ થઇ ગઈ છે. કોરોના ફરી કહેર વર્તાવે એ પહેલા જ સરકારે એડવાઈઝરી જાહેર કરી દીધી હતી. લોકોને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા ઉપરાંત વેક્સીનનાં તમામ ડોઝ લઇ લેવા અપીલ કરવામાં આવી છે. કોરોનાનાં કહેર વચ્ચે દેશમાં પહેલી નેઝલ વેક્સીનને મંજુરી આપી દેવામાં આવી છે. અગાઉ, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ DCGI એ ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ કોવિડ રસીના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી છે. આ રસી નાક દ્વારા આપવામાં આવે છે. DCGI એ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઇન્ટ્રાનેસલ કોવિડ રસી મંજૂર કરી છે. ભારત બાયોટેકની આ રસીનું નામ BBV154 છે. આ રસીનો ઉપયોગ બૂસ્ટર ડોઝ તરીકે થઈ શકે છે. શરૂઆતમાં, આ રસી ખાનગી હોસ્પિટલોમાં મળશે. સરકારે આજથી જ ભારતના કોવિડ 19 રસીકરણ કાર્યક્રમમાં આ રસીનો સમાવેશ કર્યો છે.
ઇન્ટ્રાનેસલ કોવિડ રસી
નોંધનીય છે કે 28 નવેમ્બરે, ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડે (Bharat Biotech International Limited) જાહેરાત કરી હતી કે ઇનકોવેવ (iNCOVACC BBV154) નાક દ્વારા (સોય વિના) આપવામાં આવતી વિશ્વની પ્રથમ કોવિડ રસી બની છે. તેને ઇન્ટ્રા-નાસલ કોવિડ વેક્સિન Intra-Nasal Covid Vaccine) કહેવામાં આવે છે. ભારત બાયોટેકના નિવેદન અનુસાર, iNCOVACC ને સરળતાથી સંગ્રહ અને વિતરણ માટે બે થી આઠ ડિગ્રી સેલ્સિયસ પર રાખી શકાય છે. ભારત બાયોટેકનું કહેવું છે કે નાક દ્વારા આપવામાં આવતી આ રસી ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ રસી સેન્ટ લુઇસ, મિઝોરી, યુએસએમાં વોશિંગ્ટન યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે.
4 હજાર લોકો પર ટ્રાયલ કરાઈ હતી
હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે 4000 સ્વયંસેવકો પર નાકની રસીનું ક્લિનિકલ ટ્રાયલ કર્યું છે. આમાંથી કોઈપણ પર કોઈ આડઅસર જોવા મળી નથી. ઓગસ્ટમાં ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ બાદ સ્પષ્ટ થયું કે BBV154 રસી સલામત છે. ભારત બાયોટેકે BBV154 વિશે જણાવ્યું છે કે આ રસી નાક દ્વારા આપવામાં આવે છે. જે ચેપ અને સંક્રમણને ઘટાડશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રસી આર્થિક રીતે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે સારી રહેશે.