National

મોદી કેબિનેટની આજે પ્રથમ બેઠક: તમામ 71 મંત્રીઓના મંત્રાલયનો થશે નિર્ણય, શાહને મળી શકે છે ફાયનાન્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળ માટે 71 મંત્રીઓની ફોજ તૈયાર કરી છે. મોદી કેબિનેટની પ્રથમ બેઠક આજે સાંજે 5 વાગ્યાથી છે. આ બેઠકમાં કે તે પહેલા મંત્રીઓ વચ્ચે મંત્રાલયોની વહેંચણી કરવામાં આવશે. વડાપ્રધાનના ત્રીજા કાર્યકાળમાં 30 કેબિનેટ પ્રધાનો, 5 સ્વતંત્ર પ્રભારી પ્રધાનો અને 36 રાજ્ય પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 43 એવા મંત્રીઓ છે જેઓ ઓછામાં ઓછા ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. મોદી સરકારમાં 39 મંત્રીઓ કામ કરી ચૂક્યા છે. 6 મંત્રીઓ એવા છે જેઓ મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, એસ રવિશંકર, નિર્મલા સીતારમનને ફરીથી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ પોતાના કેબિનેટમાં જે જૂના મંત્રીઓને સ્થાન આપ્યું છે તેમના મંત્રાલયમાં ફેરબદલની શક્યતા ઓછી છે. એસ જયશંકરને ફરી એકવાર વિદેશ મંત્રી પદ મળી શકે છે. જોકે અમિત શાહને આ વખતે ફાયનાન્સ મિનિસ્ટર બનાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. કેબિનેટમાં જેપી નડ્ડાએ પણ વાપસી કરી છે.

આજે સાંજે કેબિનેટ મંત્રીઓની બેઠક યોજાવાની તેમાં શિવરાજ સિંહને કયું મંત્રાલય મળે છે તે સૌથી દિલચસ્પ હશે. રાજકીય નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે શિવરાજને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટરને પહેલીવાર મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. બંનેને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

આ સિવાય બે પરાજિત નેતાઓને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. તમિલનાડુના નીલગીરીથી ભાજપના ઉમેદવાર એલ. મુરુગનને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમણે ડીએમકેના એ. રાજા સામે 2.40 લાખ મતોથી હાર્યા હતા. જ્યારે લુધિયાણાથી કોંગ્રેસના ઉમેદવાર અમરિંદર સિંહ સામે હારેલા રવનીત સિંહ બિટ્ટુને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે જ સૌથી યુવા ટીડીપી સાંસદ રામમોહન નાયડુ પણ મંત્રી બની ગયા છે.

આ વખતની મોદી ટીમમાં આવા 12 નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે જેમણે ચૂંટણી લડી ન હતી. આમાં જેપી નડ્ડા, અશ્વિની વૈષ્ણવ, એસ. જયશંકર, નિર્મલા સીતારમણ, હરદીપ સિંહ પુરી, જયંત ચૌધરી, રામદાસ આઠવલે, રામનાથ ઠાકુર, બીએલ વર્મા, સતીશ ચંદ્ર દુબે, પવિત્રા માર્ગારીટા અને જ્યોર્જ કુરિયનનો સમાવેશ થાય છે.

સંસદનું સત્ર 18-19 જૂનથી શરૂ થઈ શકે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારનું પ્રથમ સંસદ સત્ર 18 કે 19 જૂનથી શરૂ થઈ શકે છે. દેશની 18મી સંસદમાં વિપક્ષ ખૂબ જ મજબૂત છે અને તેની અસર સંસદના સત્ર દરમિયાન જોવા મળશે. અગાઉ 17મી અને 16મી સંસદમાં નબળા વિરોધને કારણે બિલ સરળતાથી પસાર થઈ જતા હતા પરંતુ હવે દરેક વિષય પર ગરમાગરમ ચર્ચા થવાની છે.

2014માં 46 મંત્રીઓ સાથે શપથ લીધા હતા
2014માં નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા હતા. તે સમયે તેમની કેબિનેટમાં તેમના સહિત 46 મંત્રીઓ હતા. તેમાં 24 કેબિનેટ પ્રધાનો, 10 રાજ્ય પ્રધાનો (સ્વતંત્ર હવાલો) અને 12 રાજ્ય પ્રધાનો હતા. પીએમ મોદીએ તેમની વર્તમાન કેબિનેટમાં 71 મંત્રીઓનો સમાવેશ કર્યો છે પરંતુ તેમની કેબિનેટ સૌથી મોટી નથી. 2019 થી 2024 વચ્ચેના કાર્યકાળ દરમિયાન પીએમ મોદીની કેબિનેટમાં 78 મંત્રીઓ હતા. 2021માં તેમની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ પછી મંત્રીઓની કુલ સંખ્યા 78 પર પહોંચી ગઈ હતી.

Most Popular

To Top