SURAT

કાપોદ્રામાં બીજા પતિ પર હુમલો કરી પહેલા પતિએ પત્નીનું રીક્ષામાં અપહરણ કર્યું

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવકે કાપોદ્રા પોલીસ મથકમાં તેની પત્નીનું હત્યાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પરણીતાના પૂર્વ પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ બનાવમાં પોલીસે મોડી રાત્રે ઓટો રીક્ષા ચાલકને ઝડપી પાડી અન્ય ઈસમોની શોધખોળ હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનનો વતની અને હાલમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં સીમાડા ગામમાં આવેલા ભરવાડ ફળિામાં રહેતો સુનિલ રૂપચંદ મુનિયા રાજસ્થાનમાં છુટાછેડા થયેલી મહિલા સાથે લગ્ન કરી તેને સુરત લઈ આવ્યો હતો. બાદમાં બંને કાપોદ્રા વિસ્તારમાં રહેતા હતા.

આ દરમિયાન ગઈ તારીખ 17-7-2025 ના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં સુનિલ અને તેની પત્ની કાપોદ્રા વરાછા મેઇન રોડ પર આવેલ બજરંગદાસ ઈમ્પેક્ષ નામના કારખાના પાસે ઉભા હતા ત્યારે મહિલાનો પૂર્વ પતિ બીકેશ ડામોર (ભૈડા જીલ્લો બાસવાડા રાજસ્થાન) એક ઓટો રીક્ષામાં તેમની સાથે અન્ય ચાર ઈસમો મળી કુલ પાંચ ઈસમો તેમની પાસે આવ્યા હતા.

જે પૈકી બીકેશ ડામોરે સુનિલ મુનિયાને જણાવ્યું હતું કે તેણે આ પરણીતા સાથે લગ્ન કરવા માટે તેના પિતાને 1.50 લાખ રૂપિયા આપ્યા છે. સુનિલ મુનિયાએ બીકેશ ડામોરને તથા દિનેશ નામના વ્યક્તિને રોકવાની કોશિશ કરી હતી પરંતુ તેઓએ ભેગા મળી સુનિલ ગાળો આપી માર માર્યો હતો અને તેની પત્ની ને માર મારતા મારતા ઓટોરિક્ષામાં બેસાડી તેનો અપહરણ કરી પાંચે ઈસમો ફરાર થઈ ગયા હતા.

જેથી સુનિલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીકેશ ડામોર તથા દિનેશ તથા જીજે-05-સીટી-9944 નંબરની ઓટો રીક્ષાના ચાલક અને અન્ય બે ઈસમો સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરિણીતાનું હત્યાના ઈરાદેથી અપહરણ કરવામાં આવ્યું હોવાનો ગુનો દાખલ કરી મોડી રાત સુધીમાં રીક્ષા ચાલક ઈમરાન રૂસ્તમ કુરેશી (રહે ખોલવાડ મૂળ વતન તળાજા ભાવનગર)ને ઝડપી પાડી તેને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top