અત્યારે દક્ષિણની ફિલ્મો આક્રમક બની છે. દક્ષિણના જેમિની, પ્રસાદ જેવા નિર્માતાઓની ફિલ્મો ૧૯૬૦-’૭૦ના સમયથી હિન્દી ફિલ્મોના પ્રેક્ષકો જોતાં જ આવ્યા છે. સામાન્યપણે એ ફિલ્મો કૌટુંબિક મેલોડ્રામા ધરાવતી હતી. તે વખતે એ નિર્માતાઓ હિન્દીનાં જ પ્રદીપકુમાર, રાજેન્દ્રકુમાર, જીતેન્દ્ર, મીનાકુમારી, વૈજયંતીમાલા, શ્રીદેવી વગેરેને લઇને જ ફિલ્મો બનાવતા. આજના દક્ષિણના નિર્માતાઓ દક્ષિણના જ પ્રભાસ, અલ્લુ અર્જૂન, રામચરણ, એન.ટી. રામારાવ જુનિયર, દલકીર સલમાન વગેરે સાથે જ બનાવેલી ફિલ્મો હિન્દીમાં રજૂ કરે છે. અગાઉના સમયમાં દક્ષિણની ફિલ્મોની રિમેક બનાવતા હવે રિમેક પણ નહીં, દક્ષિણની ફિલ્મ ડબીંગ કરી રજૂ કરવામાં આવે છે. ‘પુષ્પા: ધ રાઇઝ’ ને પ્રેક્ષકોનો એક વર્ગ વાહિયાત ગણશે પણ તેની જબરદસ્ત સફળતા એ વાતને પ્રમાણે છે કે તે પ્રેક્ષકોના મોટા વર્ગને આકર્ષી શકી છે. એમ પણ કહી શકાય કે સિંગલ સ્ક્રિનનો મધ્યમવર્ગીય યા તેનાથી ય વધુ આર્થિક રીતે પછાત વર્ગનો પ્રેક્ષક પણ આ ફિલ્મ જોવા ભીડ કરે છે.
હિન્દી ફિલ્મ બનાવનારા મુંબઇના નિર્માતા – દિગ્દર્શકોની સર્જકતા ઘટી ગઇ છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સાઉથની ફિલ્મોના રિમેક પાછળ જ પડયા હતા એટલે સાઉથના ફિલ્મમેકર્સને થવા લાગ્યું કે આપણે સીધા જ શું કામ હિન્દીમાં ન જઇએ? યુ-ટયુબ પર તેમની ફિલ્મોના ડબીંગ વર્ઝન પણ ખૂબ સફળ રહેવાને કારણે તેઓ આ મત સુધી પહોંચ્યા. એસ.એસ. રાજામૌલીએ ‘બાહુબલી’ શ્રેણીની બે ફિલ્મો જબરદસ્ત સફળ બનાવી પછી એક નવો જ ટ્રેન્ડ સેટ થયો છે. કમલ હાસને વર્ષો સફળ રહેવા પ્રયત્ન કર્યો પણ તેને ન મળી તેવી સફળતા અત્યારે દક્ષિણના સ્ટાર્સને મળી રહી છે. રજનીકાંત જબરદસ્ત સકસેસ સ્ટાર તે હિન્દીમાં સફળ ન ગયો. તેનો ટાઇમીંગ ખોટો હતો બાકી તે અત્યારના સાઉથ સ્ટાર્સ જેટલો જ સ્ટાઇલીશ (અને વાહિયાત) હતો. તેણે સેટ કરેલા ટ્રેન્ડ પર જ ત્યાંના અત્યારના સ્ટાર ચાલે છે.
અત્યારની સાઉથની ફિલ્મો બેફામ ખર્ચે બને છે અને વીએચએફનો ભરપૂર ઉપયોગ કરે છે. વાસ્તવિકતાથી દૂર રહી તેઓ ફેન્ટસી ફિલ્મો બનાવે છે. એવી ફિલ્મોને કારણે જ ત્યાં શિવાજી ગણેશન, જયલલિતાના, એન.ટી. રામારાવના મંદિરો બન્યા હતા. હકીકતે મુંબઇના ફિલ્મોદ્યોગે સાઉથની ફિલ્મોથી પ્રેક્ષકોને બચાવવા જોઇએ. રાજકુમાર હીરાની, સંજય લીલા ભણશાલી, ઇમ્તિયાઝ અલી પ્રકારના દિગ્દર્શકો આ કામ કરી શકે. હવે રાજકપૂર, બી.આર. ચોપરા, ગુરુ દત્ત, મહેબૂબખાન, બિમલરોય, ઋષિકેશ મુખર્જી, યશચોપરા, ગુલઝાર, શકિત સામંત, મનમોહન દેસાઇ વગેરેની ફિલ્મો તો આવવાની નથી.
હિન્દી ફિલ્મોના પ્રેક્ષકો પર મુંબઇ બહારની જે ફિલ્મોએ સૌથી મોટી પ્રભાવ મુકેલો તો બંગાળ – ન્યુ થિયેટર્સની ફિલ્મો હતી. પછીના વર્ષોમાં આસિત સેન, શકિત સામંત, હેમંતકુમાર વગેરે બંગાળીમાંથી હિન્દી ફિલ્મો લાવ્યા અને કહેવું જોઇએ કે એ ફિલ્મો તેમની વાર્તા, ગીત – સંગીતની દૃષ્ટિએ ઉત્તમ હતી અને તેમાં ઊંડા સંવેદનને સંસ્કારીતા અનુભવતા હતા. અત્યારે યાદ કરો તો થાય કે મૂળ જે ફિલ્મોમાં ઉત્તમકુમાર હતા તેવી કેટલી બધી ફિલ્મોની હિન્દી રિમેક બની છે. સાહિબ બીબી ઔર ગુલામ (સાહેબ બીબી ગોલામ), હમદોનો (ઉત્તરાયન), કાલાપાની (સોબાર ઓપોરે), હમ હિન્દુસ્તાની (બાસુ પોરીબાર), લાલ પત્થર (લાલ પાથોર), અંગૂર (ભ્રાંતિબિલાસ), જીવનમૃત્યુ (જીબોન મૃત્યુ), ચૂપકે ચૂપકે (છદ્મોવેશી), કટિ પતંગ (સૂરજોતોપા), અમર પ્રેમ (નિશી પોદ્મા), અનુરોધ (દેયા નેયા), અભિમાન (બિલૌબિતા લોય), બેમિસાલ (અમી, સે ઓ શોાખા), ઇજાજત (જાતોગૃહ) ફિલ્મો બંગાળીમાં બની તેમાં ઉત્તમકુમાર જ હતા.
આ ઉપરાંત તમે ‘દેવદાસ’, ‘પરિણીતા’, ‘મમતા’, ‘અનોખી રાત’, ‘ખામોશી’, ‘મેરે અપને’, ‘આનંદ આશ્રમ’, બાલિકા બધુ’ સહિતની અનેક ફિલ્મો મૂળ બંગાળીની રિમેક છે. આ ફિલ્મો સામે સાઉથની ફિલ્મો પ્રેક્ષકોનાં એક વર્ગને વાહિયાત જ લાગી શકે. છેલ્લા ત્રણેક દાયકામાં હિન્દી ફિલ્મોના ઓરીજિનલ ફિલ્મસર્જકો ગાયબ થવાનું આ પરિણામ છે. અત્યારે દરેક બીજી ફિલ્મ, કોઇને કોઇ દક્ષિણની ફિલ્મની રિમેક હોય ત્યારે આશા પણ શું રાખવી? ડબીંગની ટેકનોલોજી જોરાવર બની પછી હોલીવુડની ફિલ્મો અને દક્ષિણની ફિલ્મોએ મુંબઇના હિન્દી ફિલ્મોદ્યોગની દશા બૂરી કરી છે. સમય જતાં હજુ ઓર દશા બગડશે. સાઉથની ફિલ્મોમાં એક સમયે રાજેન્દ્રકુમાર, જીતેન્દ્ર, મીનાકુમારી, માલાસિંહા વગેરેને કામ મળતું હવે એવું થતું નથી, થવાનું નથી. સાઉથની ફિલ્મોમાં હિન્દી ફિલ્મના હીરોને કામ મળ્યું તો વિલન તરીકે મળ્યું છે. હા, તેમને હીરોઇનો ચાલી શકે છે.
મુંબઇના હિન્દી ફિલ્મોદ્યોગે ભેગા મળી કોઇ વ્યુહ બનાવવો પડશે નહિંતર તેના પ્રેક્ષકો ‘બાહુબલી’, ‘પુષ્પા: ધ રાઇઝ’ના હવાલે થયા છે ને હવે ‘આરઆરઆર’ ના હવાલે થશે. હજુ એવી ફિલ્મો રજૂ થવા ઊભી છે ને તેની સામે મુંબઇની હિન્દી ફિલ્મો, સ્ટાર્સ કેવાંક ટકશે?