સુરત: ઓવર પ્રોડક્શન, રો-મટીરીયલના વધતા ભાવ સામે જરી(Jari)ની કિંમત નહીં વધવી, દક્ષિણ ભારતના રાજ્યોમાં જરીની ઓછી ડિમાન્ડ, શ્રીલંકા સંકટને લીધે જરીનું વેચાણ બંધ થવા સાથે ઉત્પાદકોની મોટી રકમ ફસાઈ છે અને જરી ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમ વાર મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. એને લઈ આજે દિવાળી(Diwali)ના 10 દિવસ અગાઉથી 30 દિવસનું વેકેશન પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત(Surat) જરી મેન્યુફેકચર્સ એસોસિએશન(Jari Manufacturers Association)ની બેઠકમાં દિવાળીના 10 દિવસ અગાઉથી કારખાના બંધ(Factory closed) રાખવા નિર્ણય લેવાયો છે.
અભૂતપૂર્વ નાણાં સંકટને કારણે નિર્ણય લેવાયો
સુરત જરી મેન્યુ.એસોસિએશનના માજી પ્રમુખ અને કારોબારી સભ્ય તથા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ જરી ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ શાંતિલાલ જરીવાલાએ જણાવ્યું હતું કે ઉદ્યોગને ટકાવી રાખવા જરી ઉદ્યોગના ઇતિહાસમાં અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે. સુરત જરી મેન્યુફેકચર્સ એસોસિએશનની આજે મળેલી સભામાં દિવાળીનાં 10 દિવસ પહેલા અને 20 દિવસ પછી એમ 30 દિવસનું વેકેશન રાખવાનું નક્કી થયું છે. જેથી ઓવર પ્રોડક્શન અને નુક્સાનીથી બચી શકાય શ્રીલંકા સંકટને લીધે મોટું પેમેન્ટ ફસાયું છે. દક્ષિણના વેપારીઓ પણ સામી દિવાળીએ પેમેન્ટ આપી રહ્યાં નથી. ઓલ. ઇન્ડિયા જરી ફેડરેશને સમર્થન આપ્યું છે. જો કે આ વાત તો માત્ર દિવાળીની છે પરંતુ ત્યારબાદ જરી ઉદ્યોગની હાલત કપરી રહે છે કે ગાડી પાટા પર ચઢશે તે તો આવનારો સમય જ બતાવશે
સુરત જરી મેન્યુ. એસોસિએશનની સભામાં આ 6 નિર્ણયો લેવાયા
(1) જરી ઉદ્યોગનું દિવાળી વેકેશન 30 દિવસનું રાખવું, દિવાળી પહેલા 10 દિવસનું ઉત્પાદન બંધ રાખવું અને દિવાળી પછી 20 દિવસ જરીના તમામ એકમો બંધ રાખવા.
(2) શ્રીલંકાની પરિસ્થિતિને કારણે જરીની સાડીનું વેચાણ બંધ છે અને એને કારણે પેમેન્ટ આવતું નથી.
(3) ઉદ્યોગમાં ઓવર પ્રોડક્શનને કારણે જરીના વેચાણ ભાવો મળતા નથી. ઉત્પાદન કોસ્ટ કરતા નીચા ભાવે જરીનો માલ વેચવા વેપારીઓ મજબુર બન્યા છે.
(4) સામી દિવાળીએ પેમેન્ટ આવતા નથી અને માલની ડિમાન્ડ નથી તેથી જરી ઉદ્યોગ હાલમાં કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે.
(5) છ માસ સુધી જરીમાં પેમેન્ટ આવતા નથી જેથી લિક્વિડિટી રહી નથી અને ઉદ્યોગ હાલમાં સખત નાણાભીડમાંથી પસાર થઇ રહ્યો છે.
(6) કાચામાલના વધતા ભાવોએ પડતા પર પાટુ માર્યા જેવી હાલત જરી ઉદ્યોગની છે.