Dakshin Gujarat Main

નવસારીની સોસાયટીના ઘરમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાયો અને સર્ટિફિકેટ તાપી જિલ્લાનું

નવસારીની મહાવીર સોસાયટીના એક ઘરમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાયો હતો. એ રસી આપનારા ઉનાઇથી આવ્યા હતા અને વેક્સિનનું સર્ટિફિકેટ તાપી જિલ્લાનું નીકળતું હતું, ત્યારે આ રસીકરણ કેમ્પ સામે શંકા જાગે એમ છે. જો એ રસીકરણ દરમ્યાન કોઇને તકલીફ થઇ હોત તો તેને માટે કોને જવાબદાર ગણવા ?

નવસારીની મહાવીર સોસાયટીમાં એક ખાનગી ઘરે પહેલી ઓગષ્ટે કોરોનાની રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ તો પહેલી ઓગષ્ટે રાજ્યભરમાં કોરોનાના પહેલા ડોઝનું રસીકરણ થતું ન હતું, ત્યારે પહેલા ડોઝનું રસીકરણ કરવાનું આયોજન કંઇ રીતે થયું એ પણ એક સવાલ છે. વળી નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર અને નવસારી શહેર આરોગ્ય વિભાગને પણ આ રસીકરણ અંગે કોઇ જાણકારી ન હતી. એ સંજોગોમાં રસીકરણનું આયોજન કઇ રીતે થયું એ એક સવાલ છે, જેનો જવાબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપાતો નથી.

વળી અહીં કૌતુક તો એ વાતનું રહે છે કે આ રસીકરણ કરનારી ટીમ ઉનાઇથી આવી હોવાનું કહેવાય છે. રસીકરણની કામગીરી ઉનાઇની ટીમ કરતી હતી, તો બીજી તરફ રસીકરણ બાદ સર્ટિફિકેટ તાપી જિલ્લાના નીકળ્યા છે. આ સંજોગોમાં રસીકરણની આખી કામગીરી સામે જ શંકા સેવાઇ રહી છે. નવસારી શહેરમાં આ રીતે રસીકરણ થતાં હોય તો ક્યાંક ગામડાંઓમાં આ પ્રકારના રસીકરણ કોઇ ખાનગી કંપની કરી નાંખતી હોય એવું પણ બની શકે છે.

  • જિલ્લા આરોગ્ય તંત્ર પણ અંધારામાં રહ્યું !
    રસીકરણ અંગે લોકોની આશંકા વધી છે. વળી આ રસીકરણની કોઇ આડઅસર કોઇને થઇ હોત તો તેને માટે જવાબદાર કોને ગણાયા હોત એ પણ એક પ્રશ્ન છે. આ રીતે જિલ્લાનું આરોગ્ય તંત્ર અંધારામાં હોય છતાં, મોટે પાયે રસીકરણ કેમ્પ યોજાઇ જાય તો તેને માટે જવાબદાર કોને ગણવા ? સ્વાભાવિક છે કે પહેલા રસીકરણ દરમ્યાન કોઇને આડઅસર થઇ શકે છે કે તાવ પણ આવી શકે છે. એ સંજોગોમાં કોઇ દર્દીને કંઇ થયું હોત તો તેને માટે જવાબદાર કોણ ?
  • આ સમગ્ર પ્રકરણનો રિર્પોટ વડી કચેરીએ મોકલીને તપાસ શરૂ કરાવી છે
    આ બાબતે નવસારી અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર અબ્દુલ્લાએ જણાવ્યું હતુ કે વેક્સિનેશનની વાત સાચી છે. આ મામલે મારી પાસે ફરિયાદ આવી હતી. અને સમગ્ર પ્રકરણનો રિર્પોટ વડી કચેરીએ મોકલીને તપાસ શરૂ કરાવી છે.

Most Popular

To Top