Sports

ગાબા ટેસ્ટનો પહેલો દિવસ વરસાદને લીધે ધોવાયો, પીચથી બુમરાહ નારાજ

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ આજે 14 ડિસેમ્બરે બ્રિસબેનના ગાબા ખાતે શરૂ થઈ હતી પરંતુ વરસાદને કારણે પહેલા દિવસની મેચ ધોવાઈ ગઈ હતી.

આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પ્રથમ દિવસે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે પહેલા દિવસની રમત રદ કરાઈ હતી. જ્યારે વરસાદને કારણે મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવમાં કોઈ પણ નુકશાન વિના 28 રન (13.2 ઓવર) હતો.

તે સમયે નાથન મેકસ્વીની (4 અણનમ) અને ઉસ્માન ખ્વાજા (19 અણનમ) બેટિંગ કરી રહ્યા હતા. જો કે, ગાબામાં પહેલા દિવસે 5.3 ઓવર પછી વરસાદ પડ્યો હતો. આ પછી 13.2 ઓવર પછી વરસાદે વિક્ષેપ કર્યો જેના પછી મેચ શરૂ પણ થઈ શકી નહીં.

દરમિયાન જ્યારે લંચ અને ચા પછી પણ રમત શરૂ થઈ શકી ન હતી ત્યારે લગભગ 12 વાગ્યે (ભારતીય સમય મુજબ) મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેચના પ્રથમ દિવસે એકંદરે માત્ર 80 બોલ જ રમાયા હતા. હવે ગાબા ટેસ્ટના બીજા દિવસની રમત સવારે 5.20 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે. બીજા દિવસે 98 ઓવરની રમત રમાશે.

અગાઉ આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાત ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં ભારત 5માં હારી ગયું હતું અને એક મેચ ડ્રો રહી હતી. ગાબા ખાતે ભારતીય ટીમની એકમાત્ર ટેસ્ટ જીત જાન્યુઆરી 2021માં હતી. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું.

ગાબાની પીચથી બુમરાહ નારાજ
આજે પહેલાં દિવસે ગાબામાં 13 ઓવરની જ રમત થઈ હતી. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રારંભમાં બોલરોને સફળતા મળે તેવી ગણતરી હતી પરંતુ ગાબાની પીચથી ભારતીય બોલરો ખુશ નહોતા. ભારતીય ઝડપી બોલર બુમરાહ પીચથી નારાજ જણાયો હતો. સ્ટમ્પ માઈક પર તે એવું બોલતા સાંભળવા મળ્યો કે નહીં હો રહા સ્વીંગ કહીં ભી કર લો. મતલબ બોલરોને પીચથી મદદ મળી રહી નથી.

ભારત પાસે ઓસ્ટ્રેલિયામાં હેટ્રિકની તક
ભારતીય ટીમ 1947થી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહી છે. આ દરમિયાન ક્રિકેટના મેદાન પર બંને ટીમો વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. અત્યાર સુધી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે તેની ધરતી પર 13 ટેસ્ટ સિરીઝ રમી ચૂકી છે. ભારતીય ટીમે આઝાદીના લગભગ ચાર મહિના બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. તે ઓસ્ટ્રેલિયન ટીમમાં સર ડોનાલ્ડ બ્રેડમેન (178.75ની એવરેજથી 715 રન) અને ઝડપી બોલર રે લિંડવોલ (18 વિકેટ)નો સમાવેશ થાય છે.

ભારત તરફથી વિજય હજારેએ સૌથી વધુ 429 રન બનાવ્યા હતા. જો જોવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ છેલ્લી બે ટેસ્ટ સીરીઝમાં કાંગારૂ ટીમને તેના જ ઘરમાં હરાવ્યું છે. હવે ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવાની હેટ્રિક બનાવવાની તક છે.

સિરિઝ 1-1થી બરાબર છે
તમને જણાવી દઈએ કે વર્તમાન શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું અને પર્થ ટેસ્ટમાં 295 રનથી શાનદાર જીત નોંધાવી હતી. જ્યારે એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ વળતો પ્રહાર કર્યો હતો અને 10 વિકેટે જીત મેળવી હતી. આ રીતે, ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. આ ‘મહાસિરીઝ’માં કુલ 5 મેચો રમાવાની છે.

ભારતીય ટીમમાં બે ફેરફાર
આ મેચ માટે ભારતના પ્લેઈંગ-11માં ઝડપી બોલર આકાશ દીપનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આકાશે હર્ષિત રાણાની જગ્યા લીધી, જે એડિલેડ ટેસ્ટમાં ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો. અનુભવી રવિચંદ્રન અશ્વિન પણ આ મેચમાંથી બહાર છે. તેના સ્થાને ડાબોડી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તક મળી છે. બીજી તરફ ઝડપી બોલર જોશ હેઝલવુડ ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ-11માં પરત ફર્યો હતો. હેઝલવુડે સ્કોટ બોલેન્ડનું સ્થાન લીધું, જેણે એડિલેડ ટેસ્ટમાં બોલ સાથે વર્ચસ્વ જમાવ્યું હતું.

Most Popular

To Top