કર્ણાટક: કર્ણાટક (Karnataka) ના રાયચુરમાં ઝિકા વાયરસ (Zika virus) નો પહેલો કેસ (Case) સામે આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે જણાવ્યું કે રાયચુરની 5 વર્ષની બાળકીમાં ઝિકા વાયરસનો ચેપ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે સરકાર આ મામલે જરૂરી પગલાં લઈ રહી છે. પુણેની લેબ રિપોર્ટ અનુસાર કર્ણાટકના રાયચુરમાં 5 વર્ષની બાળકીમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ છે. આ સાથે, દર્દીને સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.
ડોક્ટરોને એલર્ટ મોડ પર રહેવા આદેશ: સ્વાસ્થ્ય મંત્રી
સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે કહ્યું કે કર્ણાટકમાં ઝિકા વાયરસનો આ પહેલો કેસ છે. અમારી સરકાર તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. રાજ્યમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ પર પણ નજર રાખી રહ્યા છે. ડોક્ટરોને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અમને પુણેની એક લેબમાંથી ઝિકા વાયરસના પ્રથમ પુષ્ટિ થયેલા કેસનો રિપોર્ટ મળ્યો છે. ત્રણ સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 2નો રિપોર્ટ નેગેટિવ અને એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમે દર્દીના સ્વાસ્થ્ય વિશે સતત અપડેટ્સ લઈ રહ્યા છીએ.
તાવ બાદ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાઈ
છોકરીને ખૂબ તાવ અને માથાનો દુખાવો સાથે રાયચુરની સિંધનૂર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે વિજયનગર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, બલ્લારી ખાતે ખસેડવામાં આવ્યો હતો. તે સ્વસ્થ થઈ ગઈ છે અને તેને હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ છે. મંત્રીએ કહ્યું કે વધુ કોઈ કેસ સામે આવ્યા નથી અને ગભરાવાની જરૂર નથી. સરકાર સ્થિતિની કાળજીપૂર્વક સમીક્ષા કરી રહી છે.
દેશમાં પહેલીવાર ઝિકા વાયરસના કેસ
સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે કહ્યું કે થોડા મહિના પહેલા કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઝિકા વાયરસના કેસ જોવા મળ્યા હતા. પરંતુ કર્ણાટકમાં આ પ્રથમ છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ટેસ્ટ કરવામાં આવતા આ વાત બહાર આવી હતી. સામાન્ય રીતે આવા 10 ટકા નમૂનાઓ તપાસ માટે પુણે મોકલવામાં આવે છે, જેમાંથી તે પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે સરકાર સાવચેતી રાખી રહી છે. રાયચુર તેમજ પડોશી જિલ્લાઓમાં દેખરેખ રાખવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે જો તેઓ કોઈપણ હોસ્પિટલમાં સંક્રમિત જોવા મળે છે, તો તેઓ તેમની તપાસ કરાવે અને ઝિકા વાયરસના પરીક્ષણ માટે સેમ્પલ મોકલે.