પાકિસ્તાન હવે બાંગ્લાદેશ સાથે મિત્રતાના નવા પુલ બાંધવા માગે છે. પરંતુ ઢાકાએ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ સંબંધો મજબૂત બનાવવા પહેલાં 1971ના નરસંહાર માટે પાકિસ્તાનને ઔપચારિક માફી માંગવી જ પડશે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને રવિવારે દ્વિપક્ષીય બેઠકમાં પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે બેઠક બાદ સ્પષ્ટ કર્યું કે “1971માં પાકિસ્તાને કરેલા નરસંહાર માટે ઔપચારિક માફી, સંપત્તિનું વિભાજન, 1970ના ચક્રવાત પીડિતોને મળેલી વિદેશી સહાયનું ટ્રાન્સફર અને બાંગ્લાદેશમાં ફસાયેલા પાકિસ્તાનીઓને વતન પરત મોકલવા જેવા લાંબા સમયથી લંબાયેલા મુદ્દાઓનો ટૂંક સમયમાં ઉકેલ આવવો જ જોઈએ. આ મુદ્દાઓ ઉકેલાયા વિના દ્વિપક્ષીય સંબંધો આગળ વધી શકશે નહીં.”
પાકિસ્તાની વિદેશ મંત્રીની મુલાકાત
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર તા.23થી 24 ઓગસ્ટ સુધી બાંગ્લાદેશની સત્તાવાર મુલાકાતે હતા. આ મુલાકાત બાંગ્લાદેશના વિદેશ સલાહકારના આમંત્રણ પર થઈ હતી. મુલાકાત દરમિયાન ડારે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે એક કરાર અને પાંચ મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થયા. આ હસ્તાક્ષર સમારોહ ઢાકામાં બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન અને પાકિસ્તાની વિદેશ પ્રધાન ઇશાક ડારની હાજરીમાં યોજાયો હતો.
કરાર અને MoU શું હતા?
સત્તાવાર તથા રાજદ્વારી પાસપોર્ટ ધારકો માટે વિઝા મુક્તિનો કરાર કરવામાં આવ્યો. પાંચ MoUમાં બંને દેશો વચ્ચે વેપાર પર સંયુક્ત કાર્યકારી જૂથની રચના, સાંસ્કૃતિક આદાનપ્રદાન, વિદેશી સેવા અકાદમીઓ વચ્ચે સહયોગ, રાજ્ય સમાચાર એજન્સીઓ વચ્ચે સહકાર અને બાંગ્લાદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (BIISS) તથા પાકિસ્તાનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ ઇસ્લામાબાદ (ISSI) વચ્ચે સહયોગનો સમાવેશ થાય છે.
વેપાર પર પણ ચર્ચા
આ પહેલા ગુરુવારે પાકિસ્તાનના વાણિજ્ય મંત્રી જામ કમાલ ખાન અને બાંગ્લાદેશના વાણિજ્ય સલાહકાર એસકે બશીર ઉદ્દીને પણ ઢાકામાં બેઠક કરી હતી. આ ચર્ચાનો હેતુ દ્વિપક્ષીય વેપાર, પરસ્પર રોકાણ અને આર્થિક સહકાર મજબૂત કરવાનો હતો.
પરંતુ બાંગ્લાદેશે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથેના સંબંધોનું ભવિષ્ય માત્ર ત્યારે જ તેજી પકડશે જ્યારે ઇસ્લામાબાદ 1971ના નરસંહાર માટે લખિતમાં માફી માગશે.