જૌનપુર: થોડા સમય પહેલાં પોલીસ કસ્ટડીમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તસવીર તમને યાદ હશે. તે જ રીતે થોડા દિવસો પહેલાં સુરતની કોર્ટની સામે જ બે હુમલાખોરોએ ચપ્પુના ઘા ઝીંકીને સરાજાહેર એક હત્યાના ગુનાના આરોપીનું મર્ડર કરી દીધું હતું. આવી જ એક ઘટના આજે મંગળવારે જૌનપુરની સિવિલ કોર્ટમાં બની હતી.
બન્યું એવું કે આજે મુદ્દત પર હત્યાના બે આરોપીઓને જૌનપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હુમલાખોરોએ બંને આરોપીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોકે, વકીલોએ હિંમત દાખવીને ફાયરીંગ કરનારા આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસ કસ્ટડીમાં પ્રયાગરાજના અતીક અહેમદ અને અશરફની હત્યાના તર્જ પર આ ઘટનાથી જિલ્લામાં સનસનાટી મચી ગઈ હતી.
કહેવામાં આવી રહ્યું છે. સૂર્ય પ્રકાશ રાય અને મિથિલેશ ગિરી 6 મે 2022ના રોજ ગૌરાબાદશાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધર્મપુરમાં કુસ્તીબાજ બાદલ યાદવની હત્યાના આરોપી છે. બંનેને આજે સિવિલ કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યા હતા.
આરોપી સૂર્ય પ્રકાશ રાય અને મિથિલેશ ગિરી જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બાજુમાં આવેલી સિવિલ કોર્ટમાં પહોંચતા જ અગાઉથી ગોઠવાયેલા બદમાશોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સ્થળ પર હાજર વકીલોએ હુમલાખોરોને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે સિવિલ કોર્ટમાં પહોંચી ગયા હતા.
બંને ઘાયલ સૂર્ય પ્રકાશ રાય અને મિથિલેશ ગિરીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ બંનેને વારાણસી રિફર કરવામાં આવ્યા છે. બંનેની હાલત ગંભીર છે. તે જ સમયે, પોલીસ અધિકારીઓ હજી પણ હુમલાખોરોની પૂછપરછ કરી રહ્યા છે. હુમલાખોરોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. પોલીસ પહેલા તેમની પૂછપરછ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં સુરતની જિલ્લા કોર્ટના ગેટની સામે જ એક હત્યાના ગુનાના આરોપીની સરાજાહેર હત્યા થઈ હતી. સવારે કોર્ટ સામેના રોડ પર બે હુમલાખોરોએ ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી સૂરજ નામના આરોપીનું મર્ડર કર્યું હતું. જોકે, આ ગુનામાં સુરત પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડ્યા હતા.