તેહરાનમાં શનિવારે ઈરાનની સુપ્રીમ કોર્ટમાં એક વ્યક્તિએ ગોળીબાર કર્યો. આ હુમલામાં બે ન્યાયાધીશોના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટના પ્રવક્તા અસગર જહાંગીરે દાવો કર્યો છે કે ન્યાયાધીશોને તેમના રૂમમાં મારી નાખવામાં આવ્યા હતા. બંને ન્યાયાધીશો રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ અને જાસૂસી સંબંધિત કેસોની સુનાવણી કરી રહ્યા હતા. બંનેને ગોળી માર્યા બાદ હુમલાખોરે પણ આત્મહત્યા કરી લીધી. આ સમગ્ર ઘટનામાં અન્ય એક ન્યાયાધીશ પણ ઘાયલ થયા છે. આ ઉપરાંત એક બોડીગાર્ડ પણ ઘાયલ થયો છે.
રિપોર્ટ અનુસાર હુમલો સ્થાનિક સમય મુજબ સવારે 10:45 વાગ્યે થયો હતો. સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોને નિશાન બનાવવામાં આવ્યા હતા. માર્યા ગયેલા ન્યાયાધીશોની ઓળખ અલી રજિની અને મોઘીસેહ તરીકે થઈ છે, તેઓ ઈરાની ન્યાયતંત્રના વરિષ્ઠ ન્યાયાધીશોમાંના એક હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને ન્યાયાધીશોને ઘણી બધી મૃત્યુદંડની સજા ફટકારવાને કારણે જલ્લાદ કહેવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર હુમલાખોર ન્યાય વિભાગનો કર્મચારી હતો. ઈરાન ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર તેહરાન કોર્ટહાઉસમાંથી ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું છે કે હુમલા પાછળના હેતુને જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ૧૯૮૮માં રજનીની હત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન તેમની બાઇકમાં ચુંબકીય બોમ્બ લગાવવામાં આવ્યો હતો. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અનુસાર અન્ય ન્યાયાધીશ મોઘીસેહ પર 2019 માં અમેરિકા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ઈરાન વિશ્વમાં સૌથી વધુ ફાંસીની સજા આપતો દેશ
ઈરાન વિશ્વમાં સૌથી વધુ ફાંસીની સજા આપનારા દેશોમાંનો એક છે. ઈરાનમાં 2024 માં 901 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આમાં 31 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં એક અઠવાડિયામાં 40 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. યુએન હ્યુમન રાઇટ્સ અનુસાર ગયા વર્ષે ફાંસી આપવામાં આવેલા મોટાભાગના લોકો ડ્રગ્સના આરોપો અને 2022 માં મહસા અમીનીના મૃત્યુ પછી થયેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલા હતા.
