અમૃતસરઃ પંજાબના અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં આજે ગોળીબાર થયો છે. અહીં સુખબીર સિંહ બાદલ સહિત શિરોમણી અકાલી દળના નેતાઓ ધાર્મિક સજાના ભાગરૂપે સેવા કરી રહ્યાં હતાં ત્યારે તેઓ પર જીવલેણ હુમલો થયો હતો. આ ફાયરિંગમાં સુખબીર સિંહ બાદલ બચી ગયા હતા. આરોપી નારાયણ સિંહ ચૌરા દ્વારા સુખબીર સિંહને ગોળી મારવાનો પ્રયાસ કરાયો હતો. સુરક્ષાકર્મીઓએ સતર્કતા દાખવીને સુખબીર સિંહને બચાવી લઈ આરોપીને પકડી લીધો હતો.
શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ ધાર્મિક સજા તરીકે સુવર્ણ મંદિરના દરવાજાની સુરક્ષા કરી રહ્યા હતા. એટલામાં એક વૃદ્ધ માણસ ત્યાં આવ્યો. બાદલને ગેટ પર બેઠેલા જોઈને તેણે ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી. પરંતુ બાદલની સુરક્ષા માટે ત્યાં તૈનાત એક વ્યક્તિએ તેને આવું કરતા જોયો. તેણે તરત જ હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો.
આ દરમિયાન ત્યાં હાજર અન્ય લોકોએ પણ હુમલાખોરને પકડી લીધો હતો. આ ઝપાઝપીમાં ગોળી દિવાલ સાથે અથડાઈ હતી. ટોળાએ હુમલાખોરના હાથમાંથી પિસ્તોલ છીનવી લીધી હતી. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હુમલાખોરને કસ્ટડીમાં લીધો હતો. હુમલાખોર વિશે એવા સમાચાર છે કે તેણે એક દિવસ પહેલા સ્થળની તપાસ કરી હતી અને આજે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
આ ઘટના બાદ અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું કે અમારી પોલીસની સતર્કતાના કારણે આ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમારા પોલીસકર્મીઓ રિશપાલ સિંહ, જસબીર અને પરમિંદરની સતર્કતાને કારણે અપ્રિય ઘટના ટળી હતી. હુમલાખોર નારાયણ સિંહ, જેનો ગુનાહિત રેકોર્ડ છે, તેની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. બાદલની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હતી.
સુખબીર બાદલ આજે સવારે 9 થી 10 વાગ્યા સુધી સેવા આપવા માટે સુવર્ણ મંદિર પહોંચ્યા હતા. હુમલામાં સુખબીર સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમની પત્ની હરસિમરત કૌર ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. શિરોમણી અકાલી દળે આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે.
હુમલાખોર કોણ છે?
સૂત્રોનું માનીએ તો હુમલાખોરની ઓળખ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ સભ્ય તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 1984માં પાકિસ્તાન ગયો હતો અને પાકિસ્તાનથી પંજાબમાં હથિયારો અને વિસ્ફોટકોની દાણચોરી કરતો હતો. હુમલાખોરે ગેરિલા યુદ્ધ પર એક પુસ્તક પણ લખ્યું હોવાના અહેવાલ છે. તે બુરૈલ જેલબ્રેક કેસમાં પણ આરોપી છે અને પંજાબની જેલમાં તેની સજા પણ ભોગવી ચૂક્યો છે.
શિરોમણી અકાલી દળનું કહેવું છે કે નારાયણ સિંહ ચૌરાના ભાઈ નરેન્દ્ર સિંહ ડેરા બાબા નાનકમાં ચૌરા બજાર સમિતિના પ્રમુખ છે અને તેઓ કોંગ્રેસના સાંસદ સુખજિંદર રંધાવાના નજીકના છે.
સુખબીર બાદલ શું સજા ભોગવી રહ્યા છે?
શ્રી અકાલ તખ્ત સાહેબે સુખબીર બાદલને સજા સંભળાવી છે કે તે ગુરુદ્વારામાં સેવા આપશે. વાસણો ધોશે અને ચોકીદારી પણ કરશે. શ્રી દરબાર સાહિબમાં બનેલા જાહેર શૌચાલયની પણ સફાઈ કરશે. 2007 થી 2017 દરમિયાન અકાલી દળની સરકાર દરમિયાન ધાર્મિક ભૂલો માટે જથેદાર શ્રી અકાલ તખ્તે બાદલ અને તેમની પાર્ટીના નેતાઓને સજા ફટકારી છે.
અકાલી નેતાઓ સેવા આપીને સજાની ભરપાઈ કરી રહ્યા છે. અકાલ તખ્તે સુખબીર બાદલ અને તેમની કેબિનેટ સામે દોષિત પુરવાર કર્યું છે. આરોપ છે કે બાદલે ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમને ઈશનિંદા કેસમાં માફી અપાવવામાં મદદ કરી છે. આ માટે બાદલે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને રામ રહીમ સામેની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.
શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાનના કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સંગતના પૈસાથી રાજકીય જાહેરાતો કરવામાં આવી હતી. ડીજીપી સુમેધ સૈનીની નિમણૂકને ધાર્મિક અપરાધ ગણાવ્યો છે.