તહેરાનઃ ઈરાનના શિરાઝ શહેરમાં શિયા સંપ્રદાયના મસ્જિદ પર અંધાધૂંધ ગોળીબાર (Firing At Iran Masjid) કરાયો હતો. આ હુમલામાં ૧૫ લોકોના મોત થયા છે, જ્યારે ૪૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સાંપડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ મસ્જિદ શિયા સમુદાયનું હતું. તેનું નામ ચેરાગ હતું. અહીં ત્રણ બંદૂકધારીઓએ ઘૂસી જઈ ફાયરીંગ કર્યું હતું. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ત્રણ બંદૂકધારીઓ મસ્જિદમાં ઘૂસી ગયા હતા. તેઓએ અંદર જઈ અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. ત્રણ પૈકી બે હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. ત્રીજો હુમલાખોર ભાગી જવમાં સફળ રહ્યો છે. તેની શોધખોળ ચાલુ છે. આ હુમલામાં ૧૫ લોકોના મોત થયા હતા, જેમાં ૧ મહિલા અને ૨ બાળકોનો સમાવેશ થાય છે.
ત્રણ હુમલાખોરો જ્યારે મસ્જિદમાં હુમલો કરવા ઘૂસ્યા ત્યારે મસ્જિદમાં નમાઝ પઢવાની તૈયારી ચાલી રહી હતી. અચાનક જ ત્યારે હુમલો થયો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને મસ્જિદમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે દોડાદોડી કરવા માંડ્યા હતા. એક ઈજાગ્રસ્તે કહ્યું કે, હુમલાખોરો રોડ તરફથી મસ્જિદમાં આવ્યા હતા. કોણે હુમલો કર્યો તે ખબર નથી. પરંતુ હુમલાખોરો રોડ પરથી જ ફાયરીંગ કરતા કરતાં મસ્જિદમાં ઘૂસ્યા હતા. જે કોઈ દેખાતા તેઓને હુમલાખોરો ગોળી મારી દેતા હતા.
એક રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે ત્રણેય અજાણ્યા હુમલાખોરો ઈરાનના નાગરિક નહોતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ એ લીધી છે. આઈએસઆઈએસ એ એક નિવેદન જાહેર કરી કહ્યું કે આઈએસના આતંકવાદીએ મસ્જિદમાં ગોળીબાર કર્યો છે. જેમાં ૧૫ લોકો માર્યા ગયા છે. અને અનેક લોકો ઘાયલ થયા છે.
મસ્જિદ પર હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાનમાં હિજાબ વિરોધી વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આ પ્રદર્શનો ૧૬ સપ્ટેમ્બરથી શરૂ થયા હતા. એ જ દિવસે ૨૨ વર્ષની મહસા અમીનનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. હિજાબ ન પહેરવા બદલ મહસા અમીનની પોલીસે ધરપકડ કરી હતી ત્યાર બાદ તેનું કસ્ટડીમાં મોત થયું હતું. જેના લીધે લોકોમાં રોષ ભબૂકી ઉઠ્યો હતો અને આંદોલનો, વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ પ્રદર્શનોને રોકવા માટે સમગ્ર ઈરાનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમ છતાં મસ્જિદમાં ગોળીબાર થયો તે ઈરાનની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરે છે.