બોલિવુડ અભિનેત્રી દિશા પટણીના બરેલી સ્થિત ઘરે ફાયરિંગની ઘટના બની છે. બે બાઈક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ 8થી 10 રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો હતો. તા. 12 સપ્ટેમ્બરની રાત્રિએ બનેલી આ ઘટનાની જવાબદારી ગેંગ્સ્ટર ગોલ્ડી બ્રારે લીધી હોવાની વિગતો બહાર આવી છે.
શા માટે થયો હુમલો?
આ હુમલાનું કારણ દિશાની બહેન ખુશ્બુ પટણી દ્વારા આપવામાં આવેલા નિવેદન સાથે જોડાયેલું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખુશ્બુ પટણીએ લગભગ એક મહિના પહેલા વાર્તાકાર અનિરુદ્ધાચાર્યને મહિલા દ્વેષી ગણાવ્યા અને વધુમાં કહ્યું હતું કે “જો તે મારી સામે આવશે તો હું તેને પાઠ ભણાવીશ.”
તેમના આ નિવેદનને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ હતી. લોકોએ આ નિવેદનને પ્રેમાનંદજી મહારાજ વિરુદ્ધ સમજયા હતા. તેમજ કેટલાક લોકોએ આ નિવેદનને હિન્દુ ધર્મનું અપમાન પણ ગણાવ્યું હતું. જોકે બાદમાં ખુશ્બુએ સ્પષ્ટતા પણ કરી હતી કે તેમની ટિપ્પણી માત્ર અનિરુદ્ધાચાર્યના સંદર્ભમાં જ હતી. પરંતુ તેમ છતાં આ મામલો અટક્યો નહીં.
દિશાના પિતાનું નિવેદન
ઘટનાની ગંભીરતા વચ્ચે દિશાના પિતા જગદીશ પટણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું “મને નથી લાગતું કે કોઈએ કંઈ ખોટું કહ્યું છે. જો આચાર્યજીએ સ્ત્રીઓ વિશે કંઈ ખોટું કહ્યું હોય તો મારી પુત્રીએ પણ તેના જવાબમાં આ કહ્યું હતું. દરેકને પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્રતા છે. દરેકને બોલવાનો અધિકાર છે. પરંતુ તેને આટલો મોટો મુદ્દો બનાવવો યોગ્ય નથી.”
હુમલાખોરોની વિગતો
જગદીશ પટણીએ વધુમાં જણાવ્યું કે બાઈક પર બે વ્યક્તિ આવ્યા હતા. એકે હેલ્મેટ પહેર્યું હતું અને બાઈક ચલાવી રહ્યો હતો. જ્યારે બીજાના હાથમાં બંદૂક હતી અને તેણે હેલ્મેટ નહોતું પહેર્યું. આરોપીઓએ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ દિશા પટણીના પરિવારને ભારે ધમકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગેંગસ્ટરની ચેતવણી
આ હુમલાની જવાબદારી ગોલ્ડી બ્રાર ગેંગના સભ્ય વીરેન્દ્ર ચરણએ લીધી છે. તેણે ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યું કે ખુશ્બુ પટણીએ પ્રેમાનંદ મહારાજનું અપમાન કર્યું છે. જેના કારણે આ ગોળીબાર કરવામાં આવ્યો છે. વીરેન્દ્રએ ચેતવણી આપી કે જો ખુશ્બુ અથવા બીજો કોઈ વ્યક્તિ ફરીથી તેમના ધર્મનું અપમાન કરશે. તો તેઓ જીવતા નહીં છૂટે.
આ ઘટના બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તેમજ ઘર પાસેના સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિવારને તમામ સુરક્ષા આપવા આવી રહિ છે.