Vadodara

પાકિસ્તાનની જીતની ખુશીમાં ફટાકડા ફોડી શાંતિ ડહોળવાનો પ્રયાસ

વડોદરા : ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મેચમાં ભારતની હાર અને પાકિસ્તાનની જીતની ખુશીમાં વડોદરામાં કેટલાક વિસ્તારોમાં ફટાકડાં ફોડી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ શિવસેના દ્વારા કરવામાં આવ્યા છે.શહેરના હોદ્દેદારોએ આ મામલે આવા દેશ વિરોધી કામો કરનાર ઈસમો વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પ્રથમ મેચ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી.જેમાં ભારતનો પરાજય જ્યારે પાકિસ્તાનનો વિજય થતા વડોદરાના કેટલાક વિસ્તારોમાં ફટાકડા ફૂટતાં હિંદુ સંગઠનોમાં આક્રોશ જોવા મળ્યો છે.તેઓએ આ ઘટનાને દેશ વિરોધી ગણાવી આવા તત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે.સોમવારે વડોદરા શહેર શિવસેના પ્રવક્તા દિપક પાલકર તેમજ તેજસ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં કાર્યકરોએ શહેરના પોલીસ ભુવન ખાતે પહોંચી પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

તેઓએ રજુઆત દરમિયાન જણાવ્યું હતું કે વડોદરામાં કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાનની જીત અને ભારતની હારનો ફટાકડા ફોડીને જશ્ન મનાવવામાં આવ્યો હતો.જે એક ખૂબ જ ગંભીર બાબત છે.ભારતની સરહદો ઉપર ભારતમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવવામાં આવે અને વડોદરા શહેરની શાંતિમાં પલીતો આપવાનો પ્રયાસ થાય એ કદાપિ સાંખી લેવાય નહીં.જે પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિ ને હંમેશા સમર્થન કરતું આવે છે.અને ભારતમાં આતંકી પ્રવૃત્તિ કરી દેશના અને દેશની સરહદો ઉપર દેશના જવાનોને શહીદી વ્હોરવી પડે એવા આતંકી દેશની જીતનો જશ્ન વડોદરામાં ફટાકડા ફોડી કરનાર દેશદ્રોહીઓ સામે દેશદ્રોહની કલમ લગાવવામાં આવે અને એમની ઉપર કડકમાં કડક કાયદાકીય પગલાં ભરવા માં આવે સાથે જ આ મામલાને ગંભીર સમજી યોગ્ય અને ઉચ્ચ અધિકારીની એક કમિટી બનાવી તપાસ કરાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Most Popular

To Top