સુરત : કચ્છના (Kutch) વિસ્તારોમાં સાંજના (Evening) સમયે આકાશમાં (Sky) 10 થી 15 સેકન્ડ સુધી ફાયરબોલ (Fireball) દેખાતા પ્રકાશ ફેલાયો હતો. આ ઘટનાને ખગોળપ્રેમીઓ નરી આંખે નિહાળી હતી તેમજ આંતરરાષ્ટ્રીય મેટીયોર ઓર્ગેનાઇઝેશનને ફાયરબોલની જાણ કરવામાં આવી હતી.
- ખેતરોમાં રાત્રે પાણી પીવડાવી રહેલા સંખ્યાબંધ લોકો પણ આ ઘટનાના સાક્ષી બન્યા
- ભૂજના ચિરાઇ નજીક શનિવાર રાત્રે 7.58 કલાકે આ ભેદી ઉલ્કા જોવા મળ્યો
સ્ટારગેજીંગ ઇન્ડિયાના ડાયરેકટર નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે, કચ્છના 200 કિલોમીટર સુધીના વિસ્તારોમાં સાંજના સમયે 7.58 કલાકે આકાશમાં ફાયરબોલ(ઉલ્કા) દેખાતા આકાશમાં લગભગ 10 થી 15 સેકન્ડ સુધી પ્રકાશ ફેલાયો હતો. આ ઘટનાની આંતરરાષ્ટ્રીય મેટીયોર ઓર્ગેનાઇઝેશન ને ફાયરબોલની જાણ કરવામાં આવી છે જે સંસ્થા ખગોળસબંધે ઉલ્કાની માહિતી રાખે છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જન થયેલ પદાર્થ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. ધૂમકેતુ પાછળ વિસર્જિત પદાર્થો શેરડો છોડતા જાય છે, જ્યારે પૃથ્વી પર આ પદાર્થો પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેનો મહત્તમ વેગ સેકન્ડના 30 કિલોમીટર હોવાનું અનુમાન છે. વાતાવરણમાં વાયુઓના ઘર્ષણને કારણે ટુકડાઓ સળગી ઊઠે છે અને તે જ લીસોટા અગ્નિ સ્વરૂપે આકાશમાં જોવા મળે છે તેને ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. આ ઉલ્કા ખેતરમાં રાત્રે પાણી પીવડાવતા ખેડૂતોએ પણ જોઇ હતી અને ગુરુના ગ્રહની નજીક ક્ષિતિજમાં દેખાયેલી આ ઉલ્કા કચ્છના રણ તરફ સરકીને બ્લાસ્ટ થઇ ગઇ હતી.