ગુજરાત હાઇકોર્ટમાં ફાયરસેફ્ટીના મામલે કરાયેલી રિટ અરજીમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામુ કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે કે, ગાંધીનગરમાં ૪૦ ટકાથી વધુ સરકારી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની એનઓસી નથી. ગાંધીનગર મનપા દ્વારા કરવામાં આવેલા સોગંદનામા જણાવવામાં આવ્યું હતું કે, ગાંધીનગરના જુના અને નવા સચિવાલય તેમજ પોલીસ ભવન જેવી કચેરીઓમાં ફાયર સેફટીનું એનઓસી સર્ટીફીકેટ નથી.
આ ઉપરાંત સેક્ટર 11 માં આવેલા બિરસા મુંડા ભવન, નિર્માણ ભવન, વસ્તી ગણતરી ભવન, તેમજ જુના સચિવાલયમાં આવેલી એસટીસી સ્ટાફ તાલીમ કોલેજ, ગુજરાત જળ કાર્ય વિભાગ, ઉપરાંત પાટનગર યોજના ભવન, સર્કિટ હાઉસ, વિશ્રામ ગૃહ, જીપીએસસી ભવન, પોલીસ ભવન, કૃષિ ભવન, માધ્યમિક શિક્ષણ બોર્ડ અને એફ.એસ.એલ જેવી ઇમારતોમાં પણ ફાયર સેફટી એનઓસી નથી. ગાંધીનગરમાં માત્ર 22 ઇમારતોમાં ફાયર એનઓસી છે, તેવી જ રીતે રાજ્યના અન્ય શહેરોમાં પણ મોટાભાગની બિલ્ડિંગોમાં ફાયર એન.ઓ.સી નથી.
અમદાવાદમાં બીયુ પરમીશ વગરના યુનિટ સીલ કરાયા
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું હતું, અને બીયુ પરમિશન વગરની બિલ્ડિંગોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં શહેરના વિજય ચાર રસ્તા પાસેના કોમ્પ્લેકસની 67 દુકાનો, પાલડી પાસેના કોમર્શિયલ સેન્ટરમાં 81 યુનિટ ઉપરાંત નવરંગપુરા, નારોલ, મણીનગર સહિતના વિસ્તારોમાં બીયુ પરમિશન વિનાની ઓફિસો – એકમોને સીલ કરવામાં આવ્યા છે.