SURAT

સુરતની મેટાસ એડવેન્ટીસ્ટ ‘મિશન’ હોસ્પિટલમાં આગ, ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી દર્દીઓનું રેસ્ક્યુ શરૂ કર્યું

સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલ મેટાસ એડવેન્ટીસ્ટ મિશન હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં આગ લાગી હોવાનું પ્રાથમિક સ્તરે કહેવામાં આવી રહ્યું છે. ત્યાંથી આગ હોસ્પિટલના અન્ય વિભાગોમાં પ્રસરી હતી. ઘટનાની જાણ થતાંજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને દર્દીઓનું રેસ્ક્યુ શરૂ કરાયું છે.

શહેરની મિશન હોસ્પિટલમાં આગ લાગતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગનો ધુમાડો દૂર સુધી દેખાયો હતો. અનેક દર્દીઓ હોસ્પિટલમાં ફસાયા છે. દર્દીઓના સગા સંબંધીઓ હોસ્પિટલ દોડી ગયા છે. હોસ્પિટલના સ્ટાફ તેમજ ફાયર વિભાગે દર્દીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી છે. કેટલાક ગંભીર રોગના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી મોઢા પર માસ્ક પહેરી રેસ્ક્યુ શરૂ કર્યું છે.

આગની ઘટનામાં હોસ્પિટલમાં કેટલા લોકો ફસાયેલા છે તેની માહિતી હજી સુધી જાણી શકાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ પણ હજી જાણવા મળ્યું નથી. હાલ ફાયર જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અનેક ગંભીર અવસ્થાના દર્દીઓને હોસ્પિટલના સ્ટાફ દ્વારા બેડ સાથે બહાર કાઢવામાં આવ્યા હતા. આગના પગલે ફાયર વિભાગની 15 જેટલી ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 

Most Popular

To Top