સુરત: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી વિકરાળ આગમાં 28 નિર્દોષો હોમાઈ ગયા તેની જ્વાળા હજુ શાંત થઈ નથી ત્યાં સુરતમાં આજે ભયાનક આગ લાગી હતી. હંમેશા લોકોની અવરજવરથી વ્યસ્ત રહેતા શહેરના ચૌટા બજારની એક કાપડની દુકાનમાં આજે શુક્રવારે તા. 7 જૂનના રોજ બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની વિકરાળ જવાળાઓ ઉઠતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો.
- સુરતની દુકાનમાં ભયાનક આગ લાગી
- ચૌટાબજારમાં કપડાંની દુકાનમાં લાગી આગ
- આસપાસના દુકાનદારોમાં નાસભાગ મચી
સુરતમાં સાંકડી ગલીઓ અને મહિલાઓની ખરીદીથી ધમધમતી ચૌટા બજારમાં કપડાંની દુકાનમાં આજે ભયાનક આગ લાગી હતી. જેથી આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આગની વિકરાળ જ્વાળાઓને કારણે લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.
લોકો ડરના માર્યા પોતાની દુકાનમાંથી બહાર દોડી ગયા હતાં. બાદમાં આગનો વીડિયો બનાવ્યો હતો. આ સાથે જ ફાયરબ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની 3થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે સમગ્ર આગમાં કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી.
ફાયરના સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર ચૌટા બજારમાં આવેલી સલોની ચોપાટી ફેશન નામની દુકાનના ઉપરના માળે આવેલી છે. તેમાં બપોરના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી. આગની જ્વાળા જોત જોતામાં સમગ્ર દુકાનમાં ફેલાઈ ગઈ હતી. નીચેના માળે જ્યુશ સેન્ટર અને ફાસ્ટ ફૂડની દુકાન આવેલી છે. જો કે, આગ લાગી ત્યાર બાદ દુકાનમાંથી માલિક સહિતના લોકો દોડીને નીચે ઉતરી ગયા હતાં. દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે કેમ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.