સુરતઃ માનદરવાજા રૂપમ સિનેમા નજીક જય અંબે ફરસણમાં સોમવારની મધરાત્રે અચાનક આગ લાગી જતા બે કારીગર ફસાઈ ગયા હતા. બિલ્ડિંગના બીજા-ત્રીજા માળે લાગેલી આગ પાછળ આતિશબાજી અને રોકેટ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ બાદ માનદરવાજાના ફાયર સ્ટેશનના જવાનોએ સળગતા એલિવેશનમાંથી અંદર ઘુસી બન્ને કારીગરોને મોતના મુખમાંથી બચાવવામાં સફળ રહ્યા હતા. ફાયરનું લાઈવ રેસ્ક્યુ જોઈ લોકોએ તમામ ફાયર જવાનોને વધાવી લઈ ખૂબ ખૂબ શુભેચ્છા આપી શબ્દોથી સન્માનિત કર્યા હતા.
ફાયર વિભાગે જણાવ્યુ હતું કે, ઘટના સોમવારની રાત્રે 12:30 ની હતી. આગ નો કોલ મળતા જ માન દરવાજા અને નવસારી બજાર ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર રવાના કરી દેવાઈ હતી. લગભગ 15-2 મિનિટમાં આગ ને કંટ્રોલ કરી ફાયરના જવાનોએ પ્રશંસનીય કામગીરી નું ઉદાહરણ આપ્યું હતું. કોઈ જાનહાનિ ન નોંધાય હોવાની નોંધ કરાવી હતી. ક્રિષ્ના મોઢ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે ઘટના ગંભીર હતી. નીચે ફરસાણની દુકાન અને ઉપર ગોડાઉન હતું. બીજા અને ત્રીજા માળે ફરસાણ પાર્સલ ના બોક્સમાં આગ લાગ્યા બાદ આગ ઝડપથી પ્રસરી હતી. બિલ્ડિંગના એલિવેશન ની બહાર આગ ને જોઈ તક્ષશીલા દુર્ઘટના યાદ આવી ગઈ હતી. જોકે ફાયર ના જવાનોએ હિંમત દાખવી સળગતી બિલ્ડિંગમાં અંદર ઘુસ્યા હતા અને બન્ને કારીગરોને હેમખેમ બહાર લઈ આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની જાણ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આગ ભીષણ હતી. સબ ઓફિસર જયદીપ ઇશરાની, માર્સલ લીડર હાર્દિક અને માર્સલ યોગેશ પટેલ અને હેરી પટેલે રેસ્ક્યુ ની જવાબદારી સંભાળી હતી. આગમાંથી અંદર ઘુસી ને બન્ને કારીગરો ને બચાવી લાવવા બદલ લોકોએ વધાવી લીધા હતા.