ભરૂચ: જંબુસરના કહાનવા ગામે બંગલાવગા વિસ્તારમાં એક સ્કૂલ અચાનક બસમાં આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે સ્કૂલ બસમાં માસૂમ બાળકોને સ્કૂલમાં મૂકીને પરત જતી વેળા જ આગ લાગતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જેને પગલે મોટી દુર્ઘટના ટળી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
- કહાનવામાં બાળકોને સ્કૂલમાં ઉતારી પાર્ક કરેલી બસમાં આગ, જાનહાનિ ટળી
- બાળકો હેમખેમ છે કે નહીં એ જોવા માટે વાલીઓ શાળાએ દોડી આવ્યા
જંબુસરના કહાનવા ગામે બંગલાવગા વિસ્તારમાં સ્કૂલ બસ શુક્રવારે સવારે બાળકોને સ્કૂલમાં છોડી પરત આવી રહી હતી. ત્યારે આ સ્કૂલ બસને બંગલાવગા સરકારી સ્કૂલના ગેટ સામેની જગ્યામાં મૂકી હતી. એ વેળા અચાનક બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઊઠતાં ધુમાડો વ્યાપી ગયો હતો. આગની જાણ વાયુવેગે પ્રસરતાં ખુદ વાલીઓ પોતાનાં બાળકો હેમખેમ છે કે કેમ એ માટે શાળાએ દોડી આવ્યા હતા.
આ આગે આખી બસને ચપેટમાં લેતાં તરત જ ફાયર બ્રિગેડને જાણ કરાતાં તાત્કાલિક દોડી આવી આગ કાબૂમાં લીધી હતી. આ બનાવમાં સ્કૂલ બસને વ્યાપક નુકસાન થયું હતું. જો બસમાં બાળકો સવાર હોત અને આગ ફાટી નીકળી હોત તો મોટી દુર્ઘટના માટે જવાબદાર કોણ રહેતે? એ પ્રશ્નાર્થ ઉદભવી રહ્યો છે.