નવી દિલ્હી: મસ્કટ એરપોર્ટ (Muscut Airport) પર બુધવારે એર ઈન્ડિયા એક્સપ્રેસના (AirIndia Express) એક વિમાનના એન્જિનમાં (Flight Engine Fire) આગ લાગ્યા બાદ તેમાં બેસેલા 151 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં અને એવિએશન નિયામક ડીજીસીએ આ બનાવની તપાસ કરી રહ્યું છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે કોચી જતું બોઈંગ 737-800 વિમાન એરપોર્ટ પર ઉભું હતું ત્યારે તેના એક એન્જિનમાંથી આગ અને ધુમાડો નીકળતો દેખાયો હતો. બહાર કાઢવાની પ્રક્રિયામાં અમુક મુસાફરોને હળવી ઈજાઓ થઈ હતી, એમ અધિકારીઓએ કહ્યું હતું.
વિમાનની અંદર 141 મુસાફરો, 4 બાળકો અને 6 ક્રૂ સભ્યો હતા
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયો અને તસવીરોમાં દેખાય છે કે મસ્કટ એરપોર્ટ પર ઉભેલા વિમાનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસના એક પ્રવક્તાએ કહ્યું હતું સ્થાનિક સમય મુજબ સવારે 11.20 વાગે આ વિમાન ઉડવાનું હતું તેમાં 141 મુસાફરો બેઠા હતાં. જો કે કોકપિટમાં આગની કોઈ ચેતવણીના સંકેત આવ્યા ન હતાં. પણ સાવચેતીના ભાગરૂપે વિમાનને ટેક્સીવેમાં ઉભું રાખ્યું હતું અને એન્જિનની આગ બુઝાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસે કહ્યું હતું કે આ બનાવની તપાસ ડીજીસીએની સાથે એરલાઈનના ફ્લાઈટ સુરક્ષા ખાતા દ્વારા કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીરના પૂંચમાં બસ ખીણમાં ખાબકતા 11ના મોત
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં બુધવારે મુસાફરોથી ભરચક ભરેલી એક મિની-બસ ઊંડી ખીણમાં ખાબકતાં ચાર મહિલાઓ સહિત અગિયાર લોકોનાં મોત થયાં હતાં અને 29 વધુ ઘાયલ થયા હતા. એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બસ ગલી મેદાનથી પુંચ જઈ રહી હતી દરમિયાન સવારના 8.30 વાગ્યાની આસપાસ સાવજિયાનના સરહદી પટ્ટામાં બ્રારી નાલા પાસે અકસ્માત સર્જાયો હતો અને બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. અધિકારીઓએ કહ્યું હતું કે સેના, પોલીસ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક સંયુક્ત બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. બસ 250 ફૂટથી વધુ નીચે ખાડીમાં ઊતરી ગઈ હતી અને પથ્થરોથી પથરાયેલી સખત જમીન પર અથડાઈ હતી. અધિકારીઓએ ઉમેર્યું કે, આ અકસ્માતમાં એક સ્કૂલ-બસને પણ સંપૂર્ણપણે નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવ મુસાફરો સ્થળ પર જ મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે બે વધુ લોકોએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.