વલસાડ: રવિવારની મધરાત્રે દમણની (Daman) કંપનીમાં ભીષણ આગ (Fire) લાગતા દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં કામ કરતા લોકોએ જીવ બચાવવા માટે ત્રીજા માળેથી કૂદકો મારવો પડ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવા માટે 12થી વધુ ફાયર ફાઈટરોની ગાડીઓ દોડાવવી પડી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોને ઈજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણના અતિયાવાડ ખાતે રાવલવસિયા યાર્ન કંપનીમાં રવિવારની મધ્ય રાત્રિએ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. કંપનીમાં યાર્ન બનાવવાનું રો મટિરિયલ તથા યાર્ન પડ્યું હતું. આ બંને પેટ્રોલિયમ પ્રોડક્ટ હોવાથી આગ વધુ ફેલાઈ હતી અને આગ પર કાબુ મેળવવામાં ફાયરના લાશ્કરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.
કંપનીમાં આગ લાગી ત્યારે અંદર કામ કરતા 5 કામદારોએ જીવ બચાવવા માટે દોટ મુકી હતી, પરંતુ તેમાંથી કેટલાંક ઉપર ત્રીજા માળે ફસાયા હતા. નીચે આગ લાગી હોઈ તેઓ બહાર નીકળી શકતા ન હોય ત્રીજા માળેથી કૂદકો મારી જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. કૂદકો મારવાના લીધે બે કામદારોને ઈજા પહોંચી હતી.
આગ ખૂબ જ વિકરાળ હોય ઉમરગામ, વલસાડ સહિત આસપાસથી ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. અનેક ખાનગી ટેન્કરો પણ દોડાવવામાં આવ્યા હતા. સતત પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસ કરાયા હતા. આગ કાબુમાં આવ્યા બાદ એફએસએલની ટીમની મદદથી આગ લાગવા પાછળનું કારણ શોધવાના પ્રયાસો શરૂ કરાશે. જોકે, ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે આગ સૌથી પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઈલેક્ટ્રિક પેનલ પાસે લાગી હતી.