ભરૂચ: અંકલેશ્વર GIDCમાં લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે. શનિવારે વહેલી સવારે આગની ઘટનાના પગલે ઔદ્યોગિક વસાહતમાં દોડધામ કરતાં ફાયર ફાઈટર નજરે પડી રહ્યા છે.
સૂત્રો અનુસાર જયંત પેકીંગ ઈન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. કંપનીમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના પ્રયાસ અપૂરતા સાબિત થતા ફાયર બ્રિગેડને કોલ અપાયો હતો. અંકલેશ્વર DPMCના ફાયર ફાઈટર ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળે પહોચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આગ ક્યા કારણે લાગી છે એ હજુ માહિતી મળી નથી.
પલસાણામાં ગેરકાયદે ભેગા કરેલા કચરામાં લાગેલી આગ મુદ્દે તપાસ કરવા માંગ
પલસાણા: ગુરુવારે સાંજે પલસાણાના બલેશ્વર ગામે ગેરકાયદે ભેગા કરવામાં આવેલા કચરામાં આગ ફાટી નીકળતાં અફરાતફરી ફેલાઈ હતી. ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતો આ ઘનકચરો કોઈપણ જાતની મંજૂરી વગર ખેતીની જમીન પર એકત્રિત કરવામાં આવે છે. જે અંગે ભૂતકાળમાં અનેક વખત વિરોધ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં. જેના કારણે ગતરોજ વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ ઘટના અંગે તપાસની માંગ ઉઠી છે. કારણ કે છેલ્લાં ત્રણ વર્ષથી આ રીતે કચરો ઠાલવવામાં આવી રહ્યો છે અને આથી ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. કચરો નાંખનાર પાસે 20 લાખનો દંડ વસૂલવામાં આવે, લોકોનું આરોગ્ય જોખમમાં હોય તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે, જ્યાંથી કચરો લાવવામાં આવે છે તે કંપની કે કોન્ટ્રાક્ટરો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બલેશ્વર ગામના પટાવાળા સામે પણ કાર્યવાહી કરી ફરજ પરથી દૂર કરવામાં આવે તેમજ આગથી પર્યાવરણને નુકસાન થયું હોય તો તેની ગણતરી કરી નુકસાન અંગે દસ દિવસમાં દંડ વસૂલવા સહિતની માંગ કરવામાં આવી છે.