Charchapatra

અગ્નિશમન

આમ તો કુદરતી રીતે લાગતી આગ દાવાનળ, વડવાનલ રૂપે ભભૂકી ઊઠે છે, પણ શહેરોમાં માનવીય ભૂલો કે કમીને કારણે અગ્નિતાંડવથી જાનમાલનું નુકસાન થાય છે. ફાયર સ્ટેશનો એ જ આશયથી બન્યાં છે. વર્ષમાં એક દિવસ રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન તરીકે ઉજવાય છે. હવે મહાનગરોમાં વસવાટ અને જનજીવન માટે સાવધાનીપૂર્વકની વ્યવસ્થા દરેક મકાન માટે જરૂરી છે. મહાનગર સુરતમાં બાવીસ ફાયર સ્ટેશનોમાં એક હજાર પચાસ ફાયર ઓફિસરો અને જવાનો ફરજ બજાવે છે. જેઓ શહેરના કોઈ પણ ખૂણામાં આગ લાગે ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા દોડી જાય છે. આ બચાવવાની ફરજ માટે ખાસ તાલીમ તેમને અપાઈ હોય છે.

એક જ વર્ષમાં હજારો કોલ આગ હોલવવા માટે આવે છે. ઉનાળામાં તો ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટના ઘણા બનાવો બને છે. દરેક ઈમારતમાં વિદ્યુત સુરક્ષા સાધન હોવાં જોઈએ. ઉપરાંત ઓવરલોડીંગ ટાળવું જોઈએ. સ્કૂલ, કોલેજ, ટ્યુશનકલાસ, મોલ, હોસ્પિટલ, કોમર્શિયલ ઈમારતો, કાર્યક્રમભવનો, થિયેટરો જેવાં સ્થળોએ પૂરતી સાવચેતી સાથે પૂરતાં સાધનો પણ હોવાં જોઈએ. અચાનક ભભૂકી ઊઠતી આગ ભારે ખાનાખરાબી સર્જે છે. મહાનગરોમાં કરોડોની સંખ્યામાં લોકો દૈનિક કામોમાં વ્યસ્ત રહે છે ત્યાં અસ્તવ્યસ્ત રહેવાનું ભારે થઈ પડે. આગ ફેલાય નહીં તે માટે ઝડપી સમજદારી અને હિંમત સાથે અગ્નિશમન માટે મંડી પડવું જોઈએ. યાદ રહે કે વિકાસ સાથે વિનાશનેય સંબંધ છે. એટલે સદા ચેતીને જ રહેવાય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top